યુકે દ્વારા સોમવારે જાહેર કરાયેલા પ્રતિબંધો અંગેના નવા નિયમો મુજબ માનવાધિકારોના ઉલ્લંઘન બદલના પ્રતિબંધો દેશના મિત્ર રાષ્ટ્રોના નાગરિકો ઉપર પણ મુકાઈ શકે છે અને તેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, એમ વિદેશ પ્રધાન ડોમિનિક રાબે જણાવ્યું હતું.
આવા પ્રતિબંધિત લોકોની પહેલી યાદીમાં રશિયા, સાઉદી અરેબિયા, મ્યાનમાર તથા ઉત્તર કોરીઆના નાગરિકો તેમજ સંસ્થાઓનો સમાવેશ થાય છે. મંગળવારે રાબ ઉપર ચીન (ઉઈઘર મુસ્લિમોના ઉપરના અત્યાચારો બદલ) તથા હોંગકોંગની વ્યક્તિઓને આ યાદીમાં સામેલ કરવા દબાણ કરાયું હતું.
બ્રેક્ઝિટ પછીના સમયમાં યુકે કેટલાક દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા આતુર છે અને તેમાં ભારત પણ એક ચાવીરૂપ માર્કેટ છે. આ સંજોગોમાં, મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા દરમિયાન સ્કોટિશ નેશનલ પાર્ટીના એમપી બ્રેન્ડન ઓ’હારાએ રાબને એવો સવાલ પૂછ્યો હતો કે, સરકાર ભારત જેવા યુકેના સાથીના સાથી દેશોના લોકો, સંસ્થાઓ ઉપર પણ આવા પ્રતિબંધો લાદશે કે કેમ?
ઓ’હારાએ વધુમાં એવો પણ સવાલ કર્યો હતો કે, “વિદેશ પ્રધાન એ વાતની ખાતરી હાઉસને આપી શકશે ખરા કે પ્રતિબંધોના આ નિયમો યુકેના કહેવાતા સાથી અને મિત્ર રાષ્ટ્રો – સાઉદી અરેબિયા, બહેરીન, ઈઝરાયેલ અથવા તો ઈન્ડિયાના લોકો ઉપર પણ એકસમાન ધોરણે લાગું કરાશે, ત્યાં સરકાર માનવાધિકારોના ભંગ સામે આંખ આડા કાન નહીં કરે?”
વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા સાથે યુકેના લાંબા સમયના ગાઢ સંબંધો છે, છતાં પહેલા રાઉન્ડના પ્રતિબંધોમાં જ ત્યાંના નાગરિકો ઉપર પણ પગલાં લેવાયા છે. યુકે દ્વારા લેવામાં આવનારા પગલામાં વીઝા પ્રતિબંધો તથા એવી વ્યક્તિઓની યુકેમાં રહેલી મિલકતો સ્થગિત કરવાનો સમાવેશ થાય છે.