Human Development Index: India ranks 132 out of 191 countries
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા જારી કરાયેલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (HDI)માં ભારતને ૨૦૨૧ના માનવ વિકાસ સૂચકાંકમાં ૧૩૨મું સ્થાન મળ્યું છે, જે ૨૦૨૦ના ૧૩૧મા ક્રમ કરતાં ઓછું છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ૧૯૧ દેશને આવરી લેવાયા હતા. જેમાં ભારતનું HDI મૂલ્ય ૦.૬૩૩ રહ્યું છે, જે દેશને મધ્યમ માનવ વિકાસની કેટેગરીમાં મૂકે છે. ૨૦૨૦માં ભારતનું HDI મૂલ્ય ૦.૬૪૫ હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતને ૨૦૨૦ના માનવ વિકાસ સૂચકાંકમાં ૧૮૯ દેશમાંથી ૧૩૧મું સ્થાન મળ્યું હતું. અહેવાલમાં જણાવ્યા અનુસાર “વૈશ્વિક ટ્રેન્ડ પ્રમાણે ભારતનું HDI મૂલ્ય ૨૦૧૯ના ૦.૬૪૫થી ઘટીને ૨૦૨૧માં ૦.૬૩૩ થવાનું કારણ લોકોના આયુષ્યમાં થયેલો ઘટાડો છે, જે ૬૯.૭ વર્ષથી ઘટીને ૬૭.૨ વર્ષ થયું છે. ભારતમાં શાળાનો કાર્યકાળ અંદાજે ૧૧.૯ વર્ષ છે અને શાળાકીય વર્ષોની સરેરાશ ૬.૭ વર્ષ છે.”

રીપોર્ટમાં એક મહત્વની વાત સ્વીકારવામાં આવી છે કે, ભારતમાં ૨૦૧૯ની તુલનામાં માનવ વિકાસની અસમાનતામાં ઘટાડો થયો છે. જોકે, UNDPના જણાવ્યા અનુસાર HDI મૂલ્યને ૨૦૨૦ની સાથે સરખાવી શકાય તેમ નથી. કારણ કે ૨૦૨૦માં ૧૮૯ દેશના HDI મૂલ્યની ગણતરી કરાઈ હતી, જે ૨૦૨૧માં ૧૯૧ દેશની કરવામાં આવી છે. ઉપરાંત, ભારતના રેન્કિંગમાં ઘટાડો વૈશ્વિક ટ્રેન્ડને દર્શાવે છે. વૈશ્વિક સ્તરે પણ ૧૦માંથી ૯ દેશનું સ્થાન માનવ વિકાસ સૂચકાંકમાં ઘટ્યું છે. આવું થવાના કેટલાક મહત્વના પરિબળો છે. કોરોના મહામારી જેવી મોટી સમસ્યા, યુક્રેન યુદ્ધ અને જોખમી ખગોળીય ફેરફારને કારણે માનવ વિકાસ સૂચકાંકમાં ઘણા દેશોનું પ્રદર્શન નબળું રહ્યું છે.

માનવ વિકાસ દેશના આરોગ્ય, શિક્ષણ અને સરેરાશ આવકનો માપદંડ છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ૨૦૨૦ અને ૨૦૨૧માં સતત બે વર્ષ માનવ વિકાસમાં ઘટાડો નોંધાયો છે અને તેને લીધે પાંચ વર્ષની પ્રગતિ ધોવાઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે પણ ૩૨ વર્ષમાં પહેલી વખતે માનવ વિકાસની વૃદ્ધિ અટકી છે. ૨૦૨૧માં લોકોના સરેરાશ આયુષ્યમાં ઘટાડો માનવ વિકાસ સૂચકાંકના નબળા પ્રદર્શન માટે જવાબદાર છે. વિશ્વના લોકોનું સરેરાશ આયુષ્ય ૨૦૧૯ના ૭૨.૮ વર્ષથી ઘટીને ૨૦૨૧માં ૭૧.૪ વર્ષ થયું છે.

LEAVE A REPLY