હિન્દુ સમુદાય વિરુદ્ધ વધી રહેલા ઘૃણાના કિસ્સાઓના અપરાધ સામે લડત માટે એકઠા થયેલા હિન્દુ નેતાઓ અને સંગઠનોની બેઠકમાં ભારતીય અમેરિકન સાંસદ શ્રી થાનેદારે જણાવ્યું છે કે તાજેતરના સમયમાં અમેરિકામાં હિન્દુફોબિયામાં વધારો થયો છે જેની સામે લડત ચલાવવાની જરૂરત છે કારણ કે આ દેશમાં ઘૃણા માટે કોઇ સ્થાન નથી.
વિભિન્ન ભારતીય અમેરિકન સમુદાયોના પ્રતિનિધિઓએ બુઘવારે હિન્દુ એક્શન દ્વારા યુએસ કેપિટોલ ખાતે આયોજિત બેઠકમાં ભાગ લીધો હતો. થાનેદારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે,‘આપણે મોટાપાયે હિન્દુ ફોબિયા જોઇ રહ્યા છીએ. આપણે કેલિફોર્નિયા એસબી403 (જાતીય ભેદભાવ પર પ્રતિબંધ લાદતો કાયદો) જોયો છે, અને તે માત્ર શરૂઆત છે. સમગ્ર વિશ્વમાં આપણા મંદિરો પર અને હિન્દુઓ પર હુમલા થઇ રહ્યા છે. અને તે પણ એક કારણ છે કે મેં હિન્દુ કોકસની રચના કરવાનો નિર્ણય લીધો હતો.
ડેમોક્રેટ સાંસદ થાનેદારે વધુમાં ઉમેર્યુ હતું કે,‘અમેરિકન કોંગ્રેસમાં પ્રથમવારઆપણી પાસે હિન્દુ કોકસ છે. લોકો પોતાની મરજી પ્રમાણે પોતાના ધર્મનું પાલન કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે અમે સંખ્યાબંધ પગલા ભરી રહ્યા છીએ અને આપણે આ ફોબિયા, ધર્માંધતા અને ઘૃણા સામે લડવાની જરૂર છે, કારણ કે અમેરિકામાં ઘૃણા માટે કોઇ સ્થાન હોવું જોઇએ નહીં.લોકોના ધાર્મિક અધિકારો પ્રત્યે ઘૃણા માટે કોઇ સ્થાન હોવું જોઇએ નહીં. અને તેથી જ અમે આ મુદ્દે કોંગ્રેસમાં ધ્યાન આપી રહ્યા છીએ.
આ પ્રસંગે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના સુહાગ શુક્લાએ જણાવ્યું હતું કે,‘ખાસ કરીને કોલેજ પરિસરો પ્રચંડ હિન્દુ વિરોધી પૂર્વગ્રહો અને ઘૃણાનો અનુભવ કરી રહ્યા છે. તેમણે અમેરિકામાં હિન્દુ સમુદાય વિરુદ્ધ થયેલી ઘૃણાના અપરાધઓની મોટી ઘટનાઓ પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે,‘છેલ્લા બે વર્ષમાં જ આપણે હિન્દુ વિરોધી ઘટનાઓમાં ઉછાળો જોયો છે.
અહીં અપરિચિતતા અને કાયદાના અમલીકરણમાં એક પ્રકારનો આત્મસંતોષ જોવા મળી રહ્યો છે. મેં મંદિરો ઉપર હુમલાના જે બનાવો વિશે જણાવ્યું હતું તે તમામ હુમલાના વીડિયોમાં કેદ થયેલા કાવતરાખોરો, મેં ગણાવેલા રસ્તા પર થયેલાના હુમલાના બનાવો, હુમલા વખતે કરાયેલા નિવેદનો અને દિવાલ પર કરાયેલી ગ્રાફિટીની પ્રકૃતિ અને સામગ્રી ખાલિસ્તાની ચળવળ તરફ અંગુલી નિર્દેશ કરે છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે,‘જ્યારે શિખ સમુદાયના લોકો આ ચળવળ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે ત્યારે તેમની પર શારીરિક હુમલા થાય છે. એસબી403નો હવાલો આપતા તેમણે કહ્યું હતું કે,અહીં સંસ્થાગત ભેદભાવ છે.
સિલિકોન વેલી સ્થિત ઉદ્યોગસાહસિક સુંદર ઐયર પોતે ઘૃણા અપરાધના પીડિત છે તેમણે બેઠકમાં ભાગ લેનારા લોકોને જણાવ્યું હતું કે, તેઓ આટલું સમજી ગયા છે કે નાગરિક અધિકાર એજન્સી ભારતીય અમેરિકનોને વંશીય રીતે પ્રોફાઇલ તેમજ હિંસક રીતે સ્ટીરિયોટાઇપ કરી શકે છે.
ઐયરે જણાવ્યું હતું કે,‘હું સન્માનપૂર્વક કોંગ્રેસના સભ્યોને કહું છું કે તેઓ કેલિફોર્નિયા સિવિલ રાઇટ્સ ડીપાર્ટમેન્ટની તપાસ કરવા માટે અને અમેરિકાના વ્યાપક હિતમાં ન્યાય વિભાગમાં બજેટની ફાળવણી કરે. એક એજન્સી સત્ય રજૂ નથી કરતી ત્યારે તે તમામ અમેરિકનોને નુકસાન છે. કેલિફોર્નિયામાં સિસ્કોમાં મારી સાથેના મારા કેટલાક સહકર્મીઓ તથા અન્ય કંપનીઓના કર્મચારીઓ તે માટે જુબાની આપવા તૈયાર છે.તેમનું જીવન ભયના ઓથારમાં વિતે તેવું થવું જ જોઇએ નહીં અને તેમનો અવાજ ન દબાવો જોઇએ.’
હિન્દુ ટેમ્પલ એમ્પાવરમેન્ટ કાઉન્સિલના તેજલ શાહના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં મંદિરો પર થયેલા હુમલાના બનાવોમાં વધારો ભાવનાત્મક રીતે મંદિરોના કાર્યકારીઓ અને સમુદાયને પરેશાન કરે છે. મંદિરોના પુજારીઓ માનસિક વેદના, આઘાત અને ધક્કાની લાગણી અનુભવે છે. આવા હુમલાઓના ઘણા કાવતરાખોરો હજુ સુધી મળી આવ્યા નથી તેમ જણાવતા શાહે કહ્યું હતું કે એક કેસમાં તો પોલીસે રીપોર્ટ દાખલ કરવામાં પણ અવરોધ કર્યો હતો. તેમણે મંદિરો પર થયેલા હુમલાની કેટલીક ઘટનાઓ પણ ગણાવી હતી.
ત્યારબાદ હિન્દુ એક્શન એન્ડ નમસ્તે-શલોમ મલ્ટીફેઇથ એલાયન્સે એક સંયુક્ત જાહેરનામામાં અમેરિકન કોંગ્રેસને વિનંતી કરી હતી કે તે સત્તાવાર રીતે એક ઠરાવ મારફત વધી રહેલી હિન્દુ વિરોધી ઘૃણાની ઘટનાઓ થતી હોવાનુંસ્વિકારે.