ભારતનો દરેક મુદ્દે વિરોધ કરતાં પાકિસ્તાનના મીડિયાએ ગુરુવારે ભારતના ઐતિહાસિક ચંદ્ર ઉતરાણને ફ્રન્ટ પેજ કવરેજ આપ્યું હતું અને તેની ભરપૂર પ્રશંસા કરી હતી. એક ભૂતપૂર્વ મંત્રીએ તો તેને ભારતની અવકાશ એજન્સી ISRO માટે “મહાન ક્ષણ” ગણાવી હતી.
મોટાભાગના પાકિસ્તાની અખબારો અને વેબસાઇટ્સમાં હેડલાઇન હતી કે ‘ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ રાષ્ટ્ર બન્યું’. જિયો ન્યૂઝે ચંદ્રયાનના ઉતરાણ, 40 દિવસની સફર વગેરની વિગતો સાથે એક ન્યૂઝ છાપ્યાં હતા. ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ, ધ ડોન અખબાર, ધ બિઝનેસ રેકોર્ડર, દુનિયા ન્યૂઝે પણ વિગતવાર કવરેજ આપ્યું હતું. ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી રહેલા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરતા જ ઇસરો માટે કેટલી મહાન ક્ષણ છે. હું ISROના વડા સોમનાથ સાથે આ ક્ષણની ઉજવણી કરતા ઘણા યુવા વૈજ્ઞાનિકોને જોઈ શકું છું. ઊંચા સપનાઓ સાથેની યુવા પેઢી જ દુનિયા બદલી શકે છે. શુભકામના.