અમેરિકામાં ચોથા ક્રમના સૌથી મોટા શહેર હ્યુસ્ટનમાં તાજેતરમાં આવેલા વિનાશક વાવાઝોડાએ ઓછામાં ઓછા ચાર લોકોનો ભોગ લીધો હતો. આ ઉપરાંત અંદાજે નવ લાખથી વધુ ઘરો અને ઓફિસોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. હ્યુસ્ટન સ્કૂલ ડિસ્ટ્રિક્ટે શુક્રવારે તમામ જાહેર સ્કૂલ્સમાં રજા જાહેર કરી હતી. બે મુખ્ય એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સને રોકવામાં આવી હતી.
હ્યુસ્ટનના મેયર જ્હોન વ્હાઇટમારે આ અંગે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતાં. પ્રતિ કલાક 100 માઇલની ઝડપે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. તેમણે લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી હતી. શહેરના માર્ગો પર વૃક્ષો પડવાની ઘટના બની હતી. હ્યુસ્ટન ફાયર ચીફ સેમ્યુઅલ પેનાએ જણાવ્યું હતું કે વૃક્ષો પડવાથી બે લોકોના મોત થયા હતા. જ્યારે ક્રેન તૂટી પડવાથી અન્ય બે લોકોના મોત થયા હતા. ભારે પવનને કારણે બહુમાળી બિલ્ડિંગોની બારીઓ ઉડી ગઈ હતી અને પાવર લાઈનોના ટ્રાન્સમિશન ટાવર તૂટી ગયા હતા.

LEAVE A REPLY