જજે “જાહેર હિત”માં સુનાવણી કરવા માટે કેસને અગ્રતા આપ્યા બાદ હાઉસિંગ ફ્રોડના આરોપોનો સામનો કરતા પોપ્લર અને લાઈમહાઉસના 30 વર્ષીય લેબર એમપી અપ્સાના બેગમ સામે આગામી 21 જુલાઈથી સુનાવણી શરૂ કરાશે.
તેમના પર આરોપ છે કે જ્યારે તેમને ઇસ્ટ લંડનના આઇલ ઑફ ડોગ્સ ખાતે આવેલો એક બેડરૂમનો સોશ્યલ હાઉસિંગ કાઉન્સિલનો ફ્લેટ સોંપાયો ત્યારે તેમણે જીવનશૈલીની સાચી સ્થિતિ છુપાવી હતી. જેને કારણે કાઉન્સિલને £63,000થી વધુનું નુકસાન પહોંચ્યું હતું. ટાવર હેમ્લેટ્સ કાઉન્સિલ દ્વારા જાન્યુઆરી 2013 અને માર્ચ 2016 ની વચ્ચે સાંસદ પર છેતરપિંડી આચરવાનો આરોપ મૂક્યો હતો.
સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટમાં જજ ઝીડમેને અપ્સાના બેગમના કેસ બાબતે જણાવ્યું હતું કે “આ કેસની ચાર દિવસની સુનાવણી 21 જુલાઇથી શરૂ થશે. હું કહેવા માંગુ છું કે આ કેસને અગ્રતાની ડિગ્રી આપવી જોઈએ, કારણ કે આ મુદ્દાઓ શક્ય તેટલી વહેલી તકે ઉકેલી લેવામાં જાહેર હિત છે. આ કેસની સુનાવણી પૂર્વની સમીક્ષા માટે 7 જુલાઈએ ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવશે. સંવેદનશીલ જાતીય આરોપો અને જેમાં આરોપીઓ અટકાયતમાં છે તેવા કેટલાક કેસોને હાલમાં રોગચાળા દરમિયાન અગ્રતા આપવામાં આવી રહી છે. સિસ્ટમમાં બેકલેગ્સને લીધે કેટલાક અગ્રતા નહિં ધરાવતા કેસોને હવે 2022 માં જ્યારે અન્ય કેસો 2023 માં કોર્ટમાં પહોંચવાની ધારણા છે.’’
ડિસેમ્બર 2019 માં સંસદ માટે ચૂંટાયેલા બેગમ સોમવારે આ સુનાવણીમાં હાજર રહ્યાં ન હતાં. સોલીસીટર્સે વીડિયોલિંક ઉપર જજને સંબોધન કર્યું હતું. બેગમના બેરિસ્ટર જુડી ખાન ક્યૂસીએ પુષ્ટિ આપી છે કે બેગમ તમામ આરોપો માટે નોટ ગીલ્ટી પ્લી’ નહીં કરે.
એમપી અપ્સાના બેગમે ગયા મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે, “હું આ આરોપો સામે જોરશોરથી લડી રહી છું. કાનૂની કાર્યવાહી ચાલી હોવાથી હું આ પ્રક્રિયા દરમિયાન કોઈ વધુ જાહેર ટિપ્પણી કરી શકતી નથી. હું આ મુશ્કેલ સમયે મારા વકીલો અને ટેકેદારોનો આભાર માનું છું.’’
શેડવેલમાં જન્મેલા સાંસદ ગયા મહિને વેસ્ટમિંસ્ટરના મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા હતા અને સુનાવણી ન થાય ત્યાં સુધી બિનશરતી જામીન પર છે.