કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના 10 રાજ્યના 45 નગર પાલિકા વિસ્તારોમાં સંક્રમણને કાબુમાં લેવા સરવે કરવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે અધિકારીઓને આ નિર્દેશ આપીને ઝડપી તપાસ અને પ્રભાવિત વિસ્તારોમાં દેખરેખ રાખવાના ઉપાયો કરવાની પણ સૂચના આપી છે.
આરોગ્ય સચિવ પ્રીતિ સુદને સોમવારે મંત્રાલયના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થકી બેઠક કરી, જેમાં 45 નગર નિગમ ક્ષેત્રના જિલ્લા અધિકારીઓ, કમિશનરો, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વડાઓએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન શહેરી વિસ્તારોમાં ગીચ વસતી ધરાવતા વિસ્તારોમાં સંક્રમણનો પ્રસાર, સંયુક્ત જન સુવિધાવાળા વિસ્તારોના મુદ્દા, ઘરે ઘરે જઈને સરવે કરવો, સંક્રમણને જે તે વિસ્તાર પૂરતું કેવી રીતે સીમિત રાખવું તે મુદ્દે ચર્ચા થઈ હતી.
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના કુલ 38 જિલ્લામાં સરવે થશે. આ બેઠકમાં કોરોનાથી મૃત્યુદર ઘટાડવા માટે અધિકારીઓએ સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને શોધવા, વૃદ્ધો અને ગંભીર બિમારીનો સામનો કરી રહેલા લોકોની ઓળખ કરવા જેવા પગલાં લેવાની સલાહ આપી છે.