બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લંડનમાં આવેલા લોકોના ત્રણ ઘરો વેચી £3 મિલીયનનું કૌભાંડ કરવાના પ્રયાસ બદલ લાફબરોના વકીલ હશોક પરમાર અને તેના સાથીદાર સૈયદ ગૌસ અલીને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં 12 વર્ષની જેલ ફટકારવામાં આવી હતી. જો કે, અન્ય લીગલ ફર્મે છેતરપિંડી પકડી પાડી હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘લાંબી અને જટિલ તપાસ’ કરતા તેમને ચાર વર્ષ થયા હતા.
લાફબરો સ્થિત સ્ટર્લિંગ લો સોલિસીટર્સના કવરનો ઉપયોગ કરીને 63 વર્ષના સોલિસીટર હશોક પરમાર (હોવાર્ડ સ્ટ્રીટ, લાફબરો)અને 46 વર્ષના સૈયદ ગૌસ અલી (પિનફોલ્ડ ગેટ, લાફબરો)એ લંડનની ત્રણ સંપત્તિ વેચવાની યોજના કરી હતી. એક મકાન વેચીને £240,000 રોકડા કરવામાં તેઓ સફળ પણ થયા હતા. પરંતુ તે નાણાં વિદેશી ખાતામાં મોકલી શક્યા નહતા. અલી લો ફર્મનો પ્રેક્ટિસ મેનેજર હતો અને હશોક પરમાર તેનો એકમાત્ર સોલીસીટર હતો.
બંને જણા પર £3 મિલિયનનુ કૌભાંડ કરવાનો અને £240,000ના મની લોન્ડરીંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં અલી અને હશોકને બંને ગુનામાં દોષી ઠેરવી છ-છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.