ભારતના સાત અગ્રણી શહેરોમાં મકાનના વેચાણમાં વર્ષ 2020 દરમિયાન આશરે 50 ટકાનો જંગી ઘટાડો થયો હતો. જોકે 2020ના અંતિમ ક્વાર્ટરમાં મકાનના વેચાણમાં વધારો થયો હતો.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ૧.૪૩ લાખ મકાનની સામે ૨૦૨૦માં સાત શહેરોમાં કુલ ૭૪,૪૫૦ મકાનો વેચાયા હતા. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મકાનના વેચાણમાં સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૫૧ ટકા વધારો થયો હતો. ૨૦૨૦માં વાર્ષિક ધોરણે ૫૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર ત્રિમાસિક ગાળમાં દેશના શહેરોમાં થયેલા કુલ વેચાણમાંથી ૨૩ ટકા વેચાણ મુંબઈમાં થયું હતું. દિલ્હી એનસીઆરમાં આ આંક વીસ ટકા રહ્યો હતો.
અહેવાલમાં જણાવાયું હતું કે ત્રીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ પૂણેમાં મકાનના વેચાણમાં ચોથા ત્રિમાસિક દરમિયાન ૧૪૫ ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી. ૨૦૨૦ના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દરનો આંક અપેક્ષા કરતા સારો રહ્યો હતો. કોરોનાના કાળમાં રોજગાર તથા આવક પર પડેલી અસર વચ્ચે પણ મકાનના વેચાણમાં વધારો રિઅલ એસ્ટેટ ક્ષેત્ર માટે મોટી રાહત છે.
એફોર્ડેબલ તથા મધ્યમ શ્રેણી (રૂપિયા એક કરોડથી ઓછી કિંમત)ના મકાન માટેની માગમાં વધારાને પગલે રિયલ એસ્ટેટ ડેવલપર્સ આવા પ્રોજેકટસ પર ફોકસ કરી રહ્યાં છે નવા પ્રોજેકટસ લોન્ચ થવાની માત્રા પણ ચોથા ત્રિમાસિક ગાળામાં ઊંચી રહી હતી. ૨૬,૭૮૫ નવા મકાન સાથેના પ્રોજેકટસ આ ગાળામાં લોન્ચ થયા છે, જે ત્રીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ બમણા છે. જો કે વાર્ષિક ધોરણે ૨૦૨૦માં નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.