ભારતના મુખ્ય આઠ શહેરો – દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, કલકત્તા, બેંગ્લોર અમદાવાદ, હૈદરાબાદ, પુનામાં મકાન-ફ્લેટોની કિંમત જૂન ક્વાર્ટરમાં સરેરાશ પાંચ ટકા વધી છે, એમ ક્રેડાઇ -રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયા અને ડેટા એનાલિટિક ફર્મ લિયાસેસ ફોરાસના એક રિપોર્ટમાં જણાવાયુ હતું. આ સાથે મકાનોની કિંમતો કોરોના પૂર્વેના સ્તરને કુદાવી ગઇ છે, જે નવા મકાનોની સપ્લાય સાથે ઘરોની વધી રહેલી મજબૂત માંગને દર્શાવે છે.
આ અહેવાલ અનુસાર જૂન ક્વાર્ટરમાં અમદાવાદમાં મકાનોની કિંમત વાર્ષિક તુલનાએ ૯ ટકા વધીને રૂ. ૫૯૨૭ સ્ક્વેર ફૂટ થઇ હતી. દેશની રાજધાની દિલ્હી- એનસીઆરમાં મકાનોની કિંમત સૌથી વધુ ૧૦ ટકા વધીને પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. ૭૪૩૪ થઇ હતી. તેવી જ રીતે બેંગ્લોરમાં મકાનોની કિંમત ચાર ટકા વધીને રૂ. ૭,૮૪૮ અને ચેન્નઇમાં માત્ર એક ટકા વધીને રૂ. ૭૧૨૯ સ્ક્વેર ફૂટ થઇ હતી.
હૈદારબાદ અને કલકત્તામાં મકાનોની કિંમત ૮-૮ ટકા વધીને અનુક્રમે પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. ૯૨૧૮ અને રૂ. ૬૩૬૨ થઇ હતી. મુંબઇમાં મકાન-ફ્લેટ ખરીદવુ વધુ મુશ્કેલ બની ગયુ છે અને ત્યાં કિંમત એક ટકા વધીને રૂ. ૧૯,૬૭૭ પ્રતિ સ્ક્વેર ફૂટ થઇ હતી. પુનામાં મકાનોની કિંમત પાંચ ટકા વધીને રૂ. ૭૬૮૧ પ્રતિ સ્ક્વેર ફૂટ થઇ હતી. આ કિંમતો કાર્પેટ એરિયા પર આધારિત છે.