ઓગસ્ટમાં યુકેના ઘરોના ભાવમાં £ 5,000નો વધારો થયો છે. ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સ્ટેમ્પ ડ્યુટી હોલિડેના આંશિક અંત પછી પણ દેશભરમાં પ્રોપર્ટી માર્કેટમાં તેજી ચાલુ રહી છે અને મકાનોના ભાવમાં 2.1 ટકાનો વધારો નોંધાયો છે. યુકેના સરેરાશ ઘરની કિંમત £248,857 થઇ છે.
નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીએ જણાવ્યું હતું કે સરેરાશ ઘરની કિંમત £ 4,628 જેટલી વધીને £248,857 થઈ છે. આ માસિક 2.1 ટકાનો વધારો છે, જે છેલ્લા 15 વર્ષમાં બીજો સૌથી મોટો વધારો છે. 1 જુલાઈના રોજ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટેનો થ્રેશહોલ્ડ £500,000થી ઘટીને £250,000 થયા બાદ ઘરના ભાવમાં થતો વધારો હળવો થશે તેવી અપેક્ષા હતી. પ્રોપર્ટીનો વાર્ષિક ફુગાવો ઓગસ્ટમાં વધીને 11 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 10.5 ટકા હતો. ઓક્ટોબરમાં સ્ટેમ્પ ડ્યુટી થ્રેશોલ્ડ £125,000ના પહેલાના ધોરણે આવશે.
નીચા વ્યાજ દરો, રોગચાળા દરમિયાન વધુ વિશાળ જગ્યા ધરાવતી મિલકતોની માંગ અને ચાન્સેલર ઋષિ સુનક દ્વારા આપવામાં આવેલા પ્રોત્સાહનોને પગલે છેલ્લા 18 મહિનામાં યુકેના ઘરની સરેરાશ કિંમત 13 ટકા વધી છે.