2021માં કોવિડ ઇફેક્ટના કારણે વધતી બેકારી, સ્ટેમ્પ ડ્યુટી હોલીડેના અંત, માંગના નીચા સ્તર અને બ્રેક્ઝિટની અસરના કારણે મકાનોના ભાવ ઘટશે એમ વિખ્યાત બેન્ક હેલિફેક્સ દ્વારા જણાવાયું છે. હેલિફેક્સે સમગ્ર 2021ના વર્ષ દરમિયાન 2થી 5%ની વચ્ચે મકાનોના ભાવમાં ઘટાડાની આગાહી કરી છે.
બ્રિટનના સૌથી મોટા મોર્ગેજ લેન્ડર હેલિફેક્સના મેનેજિંગ ડિરેક્ટર, રસેલ ગેલીએ એ જણાવ્યું હતું કે, ‘’કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન અણધારી તેજી પછી 2021માં રોગચાળાને લીધે પ્રોપર્ટી માર્કેટમાં આર્થિક નબળાઇ જોવા મળશે. સદીઓથી ગહન મંદી હોવા છતાં મકાનોના ભાવ વર્ષ 2016 પછી સૌથી ઝડપી દરે વધ્યા છે.’’ વિશ્લેષકો ચેતવણી આપે છે કે આવતા વર્ષે સરકારી ટેકાના અભાવ ઘરના ભાવોમાં ટૂંકા ગાળાના ક્રેશનું કારણ બનશે.
ઑફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટી, અપેક્ષા રાખે છે કે 2022માં ઝડપી રીકવરી થતા પહેલાં 2021માં મકાનોના ભાવોમાં 8%થી વધુનો ઘટાડો થશે. પરંતુ માર્ચમાં સ્ટેમ્પ ડ્યુટી હોલીડે પૂરી થાય તે પહેલાં સંપત્તિના વ્યવહારોમાં તેજી આવશે. એપ્રિલમાં ફર્લો યોજના સમાપ્ત થયા બાદ વધતી બેકારીના કારણે મકાનના વેચાણમા દરમાં તીવ્ર ઘટાડો થવાની ધારણા છે. જો કે, તે પહેલા હજુ સુધીમાં 7.6%નો વધારો થઇ ચૂક્યો છે.