જુલાઈ માસમાં યુકેમાં મકાનોની કિંમતમાં છેલ્લા 14 વર્ષમાં સૌથી ઝડપી દરે એટલે કે 3.8%નો ઘટાડો નોંધાયો છે. યુકેમાં ઘરની સરેરાશ કિંમત £260,828 છે, જે ગયા વર્ષના ઑગસ્ટમાં ટોચ પરના ભાવ કરતા લગભગ £13,000 નીચે છે. પ્રથમ વખત ઘર ખરીદનારાઓ ઘરની કિંમતોમાં ઘટાડો આવકારી રહ્યા છે પરંતુ મોરગેજના વ્યાજ દરો ઊંચા રહેવાના કારણે ઘરો સસ્તા થવા છતાય લોકો માટે ઘર ખરીદવું એક મુશ્કેલ પડકાર બની રહેશે એ ચોક્કસ છે. બીજી તરફ બેંક ઓફ ઇંગ્લેન્ડ ગુરૂવારે ફરીથી વ્યાજ દરો 5 ટકાથી વધારીને 5.25 ટકા કરે તેવી અપેક્ષા છે. ડિસેમ્બર 2021 પછી આ વ્યાજ દરનો 14મો વધારો હશે.
બીજી તરફ યુકેનો ફુગાવાનો દર જૂનમાં ધીમો પડીને 7.9 ટકા થવા સાથે ફૂડ ઇન્ફ્લેશન આ વર્ષે તેના સૌથી નીચા સ્તરે છે. પરંતુ તેમ છતાય ખાદ્યપદાર્થોના ભાવ ઊંચા રહ્યા છે. ખાદ્યપદાર્થો અને એનર્જી બિલોમાં વધારો થવાથી ફુગાવાનો દર પણ વધી રહ્યો છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે હજી પણ ‘ક્ષિતિજ પર ઘેરા વાદળો’ સર્જાયેલા છે. તેલ, ફીશ અને બ્રેકફાસ્ટ સીરીયલ્સ સહિતની મુખ્ય ગ્રોસરીની કિંમતો ઘટી રહી છે અને સપ્લાય ચેઇનના મુદ્દાઓ ગ્રાહકોને ટૂંકા ગાળાની રાહત આપી શકે છે.
નેશનવાઇડના મુખ્ય અર્થશાસ્ત્રી, રોબર્ટ ગાર્ડનરે જણાવ્યું હતું કે ‘’મકાનોનો ભાવ ઘટાડો જુલાઈ 2009 પછીનો સૌથી મોટો ઘટાડો છે. પરંતુ સરેરાશ વેતન ધરાવતા પ્રથમ વખત ખરીદનાર લોકોએ 20 ટકા ડિપોઝિટ ભરવા સાથે પોતે ટેક્સની કપાત પછી જે રકમ ઘરે લઇ જાય છે તેના 43 ટકા રકમ મોરગેજ પેમેન્ટ્સ તરીકે ચૂકવવી પડે છે. વળી હાલમાં 6 ટકાના દરે મોરગેજ મળે છે. ઊંચા મોરગેજ દરોનો અર્થ એવો થાય છે કે હાઉસિંગ એફોર્ડેબિલિટી સૌના માટે મુશ્કેલ છે.
ગયા વર્ષે પ્રથમ વખત મકાન ખરીદતા લોકો તેમના ટેક હોમ પેના ત્રીજા ભાગથી વધુ રકમ મોરગેજ પેટે ચૂકવી હતી. મોરગેજના વ્યાજના દર જુલાઈમાં 15 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તરે પહોંચતા બેન્કો અને લેન્ડર્સ માટે પણ મુશ્કેલીઓ ઉભી થઇ છે.
ત. 1ના નવા આંકડાઓ મુજબ મોરગેજના દરો ઉંચા થવાનું ચાલુ જ છે. મનીફેક્ટ્સના આંકડા મુજબ સામાન્ય બે વર્ષના ફીક્સ્ડ મોરગેજ રેટ અગાઉના દિવસે 6.81 ટકા હતો જે બીજા દિવસે વધીને 6.85 ટકા થઇ ગયો હતો. જ્યારે પાંચ વર્ષનો ફિક્સ્ડ રેટ મોરગેજ દર સોમવાર કરતા 0.3 ટકા વધી 6.37 ટકા થયો હતો. પણ તાજેતરના મહિનાઓમાં હાઉસિંગ માર્કેટ દબાઈ ગયું છે, લોકો હજી પણ ઘર ખરીદવા માટે સંઘર્ષ કરે છે. જૂન 2023માં, 86,000 હાઉસિંગ વેચાણ થયા હતા, જે ગયા વર્ષે 100,000 કરતાં વધુ હતા.
આશાનું એક કિરણ છે કે HSBC, બાર્કલેઝ અને નેશનવાઇડ સહિતના કેટલાક લેન્ડર્સે અપેક્ષા કરતાં વધુ સારી રીતે ફુગાવાનો દર ઘટતા ફિક્સ્ડ રેટના મોરગેજ દરમાં ઘટાડો કર્યો છે.”
પેન્થિઓન મેક્રોઇકોનોમિક્સના અર્થશાસ્ત્રી ગેબ્રિએલા ડિકન્સે જણાવ્યું હતું કે “અમને લાગે છે કે માંગ અને પુરવઠો સંતુલનમાં પાછા આવે તે પહેલાં ઘરની કિંમતો તેની ટોચ પરથી લગભગ 8 ટકા જેટલી ઘટશે.”
ઘર ભાડે રાખીને રહેતા લોકોની હાલત ખરાબ
ઘર ભાડે રાખીને રહેતા લોકોની હાલત ખરાબ થઇ રહી છે. વધતા વ્યાજ દરોને કારણે મકાનમાલીકો ભાડામાં વધારો કરવા લાચાર થઇ રહ્યા છે ત્યારે ઘણાં લોકો એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમનો લાભ લઇ શકતા નથી. £30,000થી વધુ કમાણી કરતા લોકોને કહેવામાં આવે છે કે તેમની પાસે લંડનમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે લાયક બનવા માટે પૂરતા પૈસા નથી. આ ડીલ્સ હેઠળ, ઓછી આવક ધરાવતા લોકો બજાર મૂલ્યથી ઓછા દરે ઘર ભાડે રાખી શકે છે. બીબીસીની તપાસમાં જણાયું છે કે કેટલાક મકાનમાલિકો ધર ભાડે રાખનારની આવક £35,000 અને £60,000 વચ્ચે હોય તેવો આગ્રહ રાખે છે. જેની સામે યુકેના સાંસદો કહે છે કે રેગ્યુલેટરે આ બાબતે તપાસ કરવાની જરૂર છે કે ભાડૂતો કેવી રીતે પસંદ કરવામાં આવે છે.
“એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ 2011થી જ્યારે ઇંગ્લેન્ડમાં દાખલ કરાઇ હતી અને કોઈપણ ક્ષેત્રમાં બજાર મૂલ્ય કરતાં ઓછામાં ઓછા 20 ટકાના દરો સેટ કરવામાં આવે છે.
બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમ (BRC) નીલસન શોપ પ્રાઈસ ઈન્ડેક્સના આંકડા દર્શાવે છે કે ખાદ્ય ફુગાવો જુલાઈમાં ઘટીને 13.4 ટકા થયો હતો, જે જૂનમાં 14.6 ટકા હતો. સતત ત્રીજો અને ધીમી ગતિએ થતો ઘટાડો ઘણી આશા જગાવે છે. પરંતુ કિંમતો એક વર્ષ અગાઉની સરખામણીએ જુલાઈમાં 7.6 ટકા વધુ હતી.
બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવમાંથી રશિયાની પીછેહટ, યુક્રેનિયન અનાજ ગોડાઉનો પર રશિયાના આક્રમણ તેમજ ભારતના ચોખાની નિકાસ પરના પ્રતિબંધો પણ ગ્રોસરીના ભાવોને અસર કરે છે. વધતા ભાવોને કારણે કન્ટારે જણાવ્યું હતું કે ગ્રાહકો સુપરમાર્કેટની સસ્તી ઓન બ્રાન્ડ્ઝ તરફ વળી રહ્યા છે.