સામાન્ય રીતે રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાના કટ્ટર વિરોધી હોય છે પરંતુ હંસલોની હીથલેન્ડ સ્કૂલના જૂના વિદ્યાર્થીઓ કાઉન્સિલરો વિક્રમ ગ્રેવાલ (લેબર) અને રોન મુશીસો (કન્ઝર્વેટીવ) વિદ્યાર્થીઓને ભણવા માટે મદદ મળી રહે તે આશયે સેકન્ડ હેન્ડ લેપટોપ ડોનેશન ડ્રાઈવ શરૂ કરવા માટે જોડાયા હતા.
તે બન્ને નેતાઓ હંસલોની ખૂબ જ પ્રતિષ્ઠીત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. રિચમન્ડ રગ્બી ક્લબ સાથે મળીને તેમણે જૂના લેપટોપ્સ એકત્રિત કર્યા હતા અને તેને નવીનતમ સૉફ્ટવેરથી સજ્જ કરી શાળાઓને ફરીથી વહેંચણી કરવાની ઝુંબેશમાં સહયોગ આપ્યો હતો. આ ક્રોસ-પાર્ટી પહેલના પગલે 400થી વધુ લેપટોપ એકત્રિત થયા હતા.
મુશીસો, પોતે એક શિક્ષક છે તેમણે કહ્યું હતું કે “અમારા રાજકીય મતભેદોને બાજુએ રાખવાનું સરળ હતું. હંસલોમાં વંચિત બાળકોને ટેકો આપવા માટે અમે શક્ય તેટલું કરવાનો નિર્ધાર કર્યો હતો. આ રોગચાળા દરમિયાન અને પછી દરેક બાળકને ઑનલાઇન શીખવા માટે એક્સેસ મળશે.’’
આ માટે બરોમાં કેટલાક અઠવાડિયા સુધી, ચર્ચો અને સમુદાયીક કેન્દ્રોમાં ડ્રાઇવ થ્રુ કલેક્શન પોઇન્ટ ગોઠવવામાં આવ્યા હતા.
કાઉન્સીલર ગ્રેવાલએ કહ્યું હતું કે “અમે રહેવાસીઓની ઉદારતાથી અભિભૂત થયા છીએ અને સેંકડો લેપટોપ દાન કરવા બદલ તેમનો આભાર માનીએ છીએ. આ ઉપકરણો ઘણા બાળકોના જીવનમાં ખૂબ જ ફરક પાડશે અને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપશે.”
લૉકડાઉન દરમિયાન ઑનલાઇન શિક્ષણનો સંપૂર્ણ એક્સેસ ન હોવાથી બરોમાં સેંકડો વિદ્યાર્થીઓ તકલીફમાં હતા. ડિસેમ્બર 2020માં, સરકારે જાહેર કર્યું હતું કે તેઓ સ્થાનિક અધિકારીઓ અને શાળાઓને 10 મિલિયનથી વધુ લેપટોપ પૂરા પાડશે, જેથી મફત સ્કૂલ મીલ મેળવતા વિદ્યાર્થીઓને સમાન શિક્ષણની તકો મળી શકે. જો કે સ્થાનિક શાળાઓના નેતાઓ અને કાઉન્સિલ અધિકારીઓના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સરકારની ઓફર પૂરતી નથી. હંસલોમાં 1500 લેપટોપની અછત હતી જેના કારણે બરોના સૌથી વંચિત બાળકો પર બદલી ન શકાય તેવી અસર થનાર હતી. કાઉન્સિલે 750 લેપટોપની ખરીદ્યાં હતાં પરંતુ હજી પણ 700 જેટલા લેપટોપનો અભાવ હતો.
મુશીસો અને ગ્રેવાલ હવે મેયરની ચૂંટણીમાં સામસામે પ્રચાર કરશે.