વેસ્ટ લંડનના હન્સલોમાં આવેલા માતાપિતાના સેમી ડિટેચ્ડ ઘરના પહેલે માળે આવેલા બેડરૂમમાંથી શેરની લે-વેચનો ધંધો કરી 45 મિલિયન પાઉન્ડ બનાવનાર 41 વર્ષીય નવિન્દર સારાઓને શિકાગોના જજે એક વર્ષ માટે લંડનમાં તેના ઘરે અટકાયતમાં રાખવો જોઈએ તેવો ચુકાદો આપ્યો હતો. જો કે, સજા અમેરિકાની બહાર લાગુ કરી શકાય કે કેમ તે તરત જ સ્પષ્ટ થયું નહોતું. જજ વર્જિનિયા કેન્ડલે સારાઓને ફક્ત અંતિમક્રિયા, હોસ્પિટલની મુલાકાત અને અન્ય અપવાદરૂપ સંજોગો માટે ઘરેથી બહાર નીકળવા છૂટ આપી હતી. એસ્પર્જર સિન્ડ્રોમથી પીડાતા 41 વર્ષના નવિન્દર સિંહે કેવી રીતે ફિલ્મી ઢબે આર્થિક છેતરપિંડી કરી હતી તેની ચોંકાવનારી વાતો જાહેર થઇ છે. પોતાના સૉફ્ટવેર અને જ્ઞાનનો ઉપયોગ કરીને 45 મિલીયન પાઉન્ડ પેદા કરનારા નવિન્દરની અયોગ્ય પ્રવૃત્તિને કારણે તા. 6 મે, 2010ના રોજ બપોરે 2.32 વાગ્યે અમેરિકામાં સ્ટોક માર્કેટ ક્રેશ થયુ હતુ અને મિનિટમાં જ બજારોમાંથી લગભગ એક ટ્રિલિયન ડોલર ધોવાઇ ગયા હતા.
અદાલતમાં કરેલી ટિપ્પણીમાં તેણે કહ્યું હતું કે તેમણે “મારી કલ્પના કરતા વધારે પૈસા મેં બનાવ્યા છે. મોંઘી ચીજો ખરીદવાનું વિચાર્યું છે ત્યારે મને લાગ્યુ છે કે હું એક દિવસ તેનાથી કંટાળી જઈશ…. પૈસાથી સુખ ખરીદી શકાતુ નથી. મને આનંદ છે કે મને હવે તેની ખબર પડી છે.”
શેર બજારમાં કરોડો પાઉન્ડનો વેપાર કરતો નવિન્દર ત્રણ વર્ષનો હતો ત્યારથી માતાપિતા સાથે બાળકોનો હોય તેવા બેડરૂમમાં રહેતો હતો અને આજે પણ તેમાં કોઇ જ ફેરફાર થયો નથી. તે મેકડોનાલ્ડ્સમાંથી ભોજન ખરીદવા માટે કૂપન્સનો ઉપયોગ કરતો અને બપોરે ભૂખ લાગે ત્યારે મોડેથી ડિસ્કાઉન્ટ ભાવે મળતી સેન્ડવીચ ખાઇને પેટ ભરતો હતો. તે સાધારણ ટ્રેકસૂટ પહેરતો અને તેણે ખરીદેલી સૌથી મોંઘી ચીજ 5,000 પાઉન્ડની સેકન્ડ હેન્ડ ફોક્સ વેગન કાર હતી.
હાઉન્ડ ઑફ હન્સલો તરીકે ઓળખાવાયેલો નવિન્દર શીખ માતાપિતાનો ત્રણ પુત્રોમાં સૌથી નાનો પણ ખૂબ જ અલગ પુત્ર હતો. તે ઓટિઝમથી પણ પીડાતો હતો. એક મનોવૈજ્ઞાનિકના અવલોકન મજબ તો તેનામાં ‘પ્રતિભા’ પણ હતી અને તે અસક્ષમ પણ હતો. માત્ર ત્રણ વર્ષની વયે ટાઇમ્સ ટેબલમાં નિપુણતા મેળવનાર, શાળામાં ગણિતમાં ઉત્તમ માર્ક મેળવનાર અને બ્રુનેલ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર નવિન્દરે કોલેજ કાળમાં જ પ્રથમ વેપાર શરૂ કર્યો હતો. ‘વિદ્વાન’ નવિન્દર શેરબજારના જટિલ અને હંમેશા બદલાતા રહેતા ડેટા અને પેટર્ન તાત્કાલિક ઓળખી તેને મગજમાં જ પ્રોસેસ કરી શકતો હતો. તે માઇક્રોસેકન્ડમાં થતી શેરોના ભાવની વધઘટનો ચાર્ટ મગજમાં બનાવી લેતો અને તેને યાદ પણ રાખી શકતો હતો. તેની આ કુશળતાનો ઉપયોગ કરીને તે ખૂબ સમૃદ્ધ બન્યો હતો. પણ તેણે આ બધુ પૈસા, લોભ અથવા કોઈ ભવ્ય જીવનશૈલી માટે નહી પણ ઉત્તેજનાના એક પ્રકારના વ્યસન માટે કરતો હતો. તે જાણે રમત રમતો હોય તેમ શેરનો વેપાર કરતો.
શરૂઆતમાં તે બજારના નિયમો પાળતો હતો પરંતુ તેણે જોયું કે લોકો નિયમો પાળતા નથી અને નિયમનકારો જે તે નિયમોનો અમલમાં કરાવવામાં નિષ્ફળ થયા છે ત્યારે તેણે પોતાના ફાયદા માટે બજારોમાં હેરાફેરી કરવાનું શરૂ કર્યું હતુ. આખરે સત્તાવાળાઓએ 2015માં તેની ધરપકડ કરી પ્રત્યાર્પણ હેઠળ અમેરિકા મોકલી દીધો હતો. ત્યાં 2016માં તેણે પોતાનો અપરાધ સ્વીકાર્યો હતો.
પરંતુ નવિન્દરની કહાની અહીં પુરી થતી નથી. તેણે જે કર્યુ છે તે અતુલ્ય છે. જામીન પર છૂટી બ્રિટન પાછા આવેલા નવિન્દરે વ્હિસલ બ્લોઅર બની એ વખતે છેલ્લા ચાર વર્ષથી અન્ય કૌભાંડીઓને ટ્રેક કરવામાં અમેરિકાના અધિકારીઓને અસાધારણ અને સમયસર મદદ કરી હતી. આથી તેને સજા ફરમાવાય તે પહેલાં વકીલોએ ન્યાયાધીશને સજાની ગાઇડલાઇન ફાડી નાંખવા અને તેને મુક્ત કરવા વિનંતી કરી હતી. તેની મદદ જોઇને આઠ વર્ષ સુધીની જેલની સજા અને 12.8 મિલિયન ડોલર ચૂકવ્યા ન હોવા છતા બંને પક્ષ સંમત થયા હતા કે નવિન્દરને જેલમાં ન મોકલવો જોઈએ અને પ્રત્યાર્પણની રાહ જોતા તેણે જે સમય બ્રિટનની જેલમાં પસાર કર્યો હતો તે જ તેની સજા છે.
તે મેન્યુઅલી અને કમ્પ્યુટર સૉફ્ટવેર દ્વારા કોઈ એક ખાસ શેર ખરીદવા અથવા વેચવા માટે હજારો ઓર્ડર આપતો હતો. આનાથી સપ્લાય અને ડિમાન્ડની ખોટી છાપ ઉભી થયા બાદ તે છેલ્લી સેકન્ડે તમામ નકલી સોદા રદ કરી દેતો. અન્ય વેપારીઓ એ હિલચાલ જોઈ પ્રતિક્રિયા આપે તે પહેલા નવિન્દર નીચા અથવા ઉંચા ભાવે શેર ખરીદી કે વેચી દેતો હતો.
એપ્રિલ 2010ના એક દિવસે તેણે 2 મિલિયન ડોલરના શેર ઓર્ડર કર્યા હતા. તે રદ કરતા પહેલા તેણે 1,967 વખત સુધારો કર્યો હતો. એવું કહેવાય છે કે તેણે તે દિવસે 60 વખત આ ટેકનિકનું પુનરાવર્તન કર્યું હતુ અને £550,000ની કમાણી કરી હતી. તેના ઉપર કુલ 12.8 મિલિયન ડોલરનો ફાયદો કરવાનો આરોપ મૂકાયો હતો. વાયર ફ્રોડ અને સ્પોફિંગ આરોપો માટે દોષિત ઠેરવાયા પછી તેને જામીન પર પાછા બ્રિટન આવવા છૂટ આપવામાં આવી હતી. સ્પોફિંગમાં મદદ કરવા માટે સોફ્ટવેર બનાવવાનો આરોપ જેના પર લાગ્યો હતો તે કંપનીના બોસ જીતેશ ઠક્કર વિરુદ્ધ પુરાવા આપવા માટે ગયા વર્ષે તે અમેરિકા ગયો હતો. જોકે ઠક્કર વિરુદ્ધનો મામલો ધરાશાયી થયો હોવા છતાં, ફરિયાદી કહે છે કે નવિન્દરનો સહયોગ નિર્ણાયક રહ્યો હતો.