બ્રિટનમાં બુધવારનો તા. 23 જૂનનો દિવસ સત્તાવાર રીતે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ તરીકે રેકોર્ડ કરાયો હતો. મેટ ઑફિસ દ્વારા આજે હિથ્રો એરપોર્ટ પર તાપમાન 31 ડીગ્રી સેલ્સીયસ (87.8 એફ) નોંધવામાં આવ્યું હતું.
ગરમીને કારણે લોકો સૂર્યપ્રકાશની મોજ માણવા દરિયાકિનારા, નદીઓ અને પાર્કોમાં જઇ પહોંચ્યા હતા. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં તાપમાન 33 ડીગ્રી સેલ્સીયસ (91.4 ફેરનહીટ)ની આસપાસ રહેવાની અપેક્ષા છે. મેટ ઑફિસે ચેતવણીનું સ્તર ત્રણ સુધી વધારી દીધું હતું. કેમ કે આરોગ્ય અધિકારીઓએ લોકડાઉન દરમિયાન ઘરમાં સુરક્ષીત રહેલા સૌથી વધુ સંવેદનશીલ લોકોને પોતાના ઘરમાં સુરક્ષીત રહેવા જણાવ્યું હતું.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે વૃદ્ધ લોકો, ખરાબ આરોગ્યની સ્થિતિ ધરાવતા લોકો અને ખૂબ જ નાના બાળકોને વધુ તાપમાનથી જોખમ રહેલું છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઠંડકમાં રહે અને સતત પૂરતા પ્રમાણમાં પાણી પીએ. શુક્રવાર પહેલા સાઉથ ઇંગ્લેન્ડમાં તાપમાનનો પારો 30 ડીગ્રી સેલ્સીયસ સુધી રહેવાની અપેક્ષા છે અને તેને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે, જે આગામી કેટલાક દિવસોમાં ‘અપવાદરૂપે ઉંચા’ રહેશે. આથી નિયમીત સનસ્ક્રીન લગાવવા અને માથાને સૂર્યથી સુરક્ષિત કરવા સલાહ આપવામાં આવી છે.
મેટ ઑફિસે ઘરને અંદરથી સીધો સૂર્યપ્રકાશ આવતો હોય તેવા રૂમના પડદા બંધ કરવા, વધુ આલ્કોહોલ ન પીવા, હવામાનને નુકુળ કપડા પહેરવા સલાહ આપવામાં આવી છે. સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સના તબીબી નિયામક ડૉ. લિન થોમસે ગરમી અને હીટસ્ટ્રોક (લુ)ના કારણે માથાનો દુખાવો અને ચક્કર આવી શકે છે. લંડન ફાયર બ્રિગેડે લોકોને ચેતવણી આપી છે કે સુકા ઘાસ પર બરબેક્યુઝ ન કરવુ કે સિગારેટ અથવા સળગેલી દિવાસળી ન નાખવી.