ભારતીય હોસ્પિટાલિટી જગતના માંધાતા અને ઓબેરોય ગ્રૂપના ચેરમેન એમેરિટસ પૃથ્વી રાજ સિંહ ઓબેરોય ઉર્ફે ‘બીકી’નું મંગળવાર, 14 નવેમ્બરે અવસાન થયું હતું, એમ ઓબેરોય ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું. તેઓ 94 વર્ષના હતાં. ભારતમાં હોટલ સેક્ટરને નવી દિશા આપવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પૃથ્વી રાજ સિંહનો જન્મ 3 ફેબ્રુઆરી 1929એ દિલ્હીમાં થયો હતો. પૃથ્વી રાજે ભારત, બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. તેમને એક પુત્ર વિક્રમ અને પુત્રી નતાશા છે.
પૃથ્વી રાજ સિંહે 2002માં તેમના પિતાના અવસાન બાદ ઓબેરોય ગ્રુપની મુખ્ય કંપની EIHના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 2013 સુધી EIH લિમિટેડના CEO રહ્યાં છે. ઓબેરોયે મે 2022માં EIHના ચેરમેન અને ડિરેક્ટર તરીકેનું તેમનું પદ છોડી દીધું હતું. 2008માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં.
તેમના પિતા રાય બહાદુર મોહન સિંહ ઓબેરોયે ‘ધ ઓબેરોય ગ્રુપ’ના સ્થાપના કરી હતી. પૃથ્વીરાજે 2011માં જાહેરાત કરી હતી કે તેનો પુત્ર વિક્રમ ઓબેરોય સામ્રાજ્યનો વારસદાર બનશે પૃથ્વી રાજની કુલ સંપત્તિ આશરે રૂ.4,000 કરોડ હતી. પૃથ્વી રાજે તેમના પિતા રાય બહાદુર ઓબેરોય પાસેથી હોટલ બિઝનેસ શીખ્યો હતો.
EIH (અગાઉ ઈસ્ટ ઈન્ડિયા હોટલ્સ) અને EIH એસોસિયેટેડ હોટલ્સ લિમિટેડ ઓબેરોય ગ્રુપની બે લિસ્ટેડ કંપની છે. ગ્રુપ હાલમાં ઓબેરોય હોટલ્સ એન્ડ રિસોર્ટ્સની લક્ઝરી બ્રાન્ડ હેઠળ 20 હોટલ્સ અને ટ્રાઇડેન્ટ હોટેલ્સ બ્રાન્ડ હેઠળ દસ 5 સ્ટાર પ્રોપર્ટી ધરાવે છે. આ ઉપરાંત ગ્રુપ ક્લાર્ક હોટલ, સિમલા અને મેઇડન્સ હોટલ, નવી દિલ્હીનું પણ મેનેજ કરે છે. આ ગ્રુપ ઇજિપ્તમાં બે લક્ઝરી ક્રૂઝર પણ ધરાવે છે. ભારત ઉપરાંત ઓબેરોય હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડોનેશિયા, યુએઇ, મોરિશિયસ, સાઉદી અરેબિયા, ઈજિપ્ત, મોરોક્કો જેવા દેશોમાં પણ છે.