કોવિડ-19ની હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં માર્ચ માસમાં મૃત્યુ દર પ્રથમ તરંગના શિખરે હતો તેના કરતા જૂન માસના અંતમાં લગભગ અડધો થઇ ગયો હોવાનું એક અધ્યયનમાં દર્શાવવામાં આવ્યુ છે.
કોરોનાવાયરસના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 21,000થી વધુ લોકોના વિશ્લેષણમાં જણાયું હતું કે માર્ચ માસમાં મરણનો જે દર હતો તેના કરતા જૂનના અંતમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ અને હાઇ ડીપેન્ડન્સી યુનિટમાં થયેલા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
કોવિડના કારણે મોત પામેલા લોકોનું ટોચનું શિખર માર્ચના અંતમાં હતું. તે વખતે કોવિડ-19ના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થયેલા 41 ટકા દર્દીઓ અને હાઇ ડીપેન્ડન્સી યુનિટમાં દાખલ થયેલા 26 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ક્રિટિકલ કેર મેડિસિન જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર જૂન સુધીમાં હાઇ ડીપેન્ડન્સી યુનિટમાં મૃત્યુ દર 7 ટકા અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં મરણનો દર 21 ટકા ઘટી ગયો હતો.
આ સંશોધન સાથે સંકળાયેલા યુનિવર્સિટી ઓફ વોરીકના બિલાલ માતીને કહ્યું હતું કે ‘’આ પરિણામોથી લોકોએ ખુશ થવું જોઈએ નહીં કેમ કે સૌથી નીચા તબક્કે પણ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થયેલા લગભગ ચોથાભાગના લોકો મરી જતા હતા. તે એક વિશાળ સંખ્યા છે, અને વાયરસના ફેલાવાને અંકુશમાં રાખવા અને હોસ્પિટલમાં પ્રવેશ શક્ય તેટલો ઓછો રાખવા માટે આપણે શક્ય તેટલું બધું કરવાનું છે.”
બ્રિટનમાં કોવિડ-19 ને લગતા કુલ મોતની સંખ્યા 61,116 છે. ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના જણાવ્યા અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આ રોગને લગતા સાપ્તાહિક મૃત્યુની સંખ્યા પખવાડિયામાં બમણી થઈ ગઈ છે. હોસ્પિટલો, કેર હોમ્સ, હોસ્પીસ, ખાનગી ઘરો અને અન્ય કોમ્યુનલ એસ્ટાબ્લિશમેન્ટમાં મૃત્યુ વધ્યા છે. મોતનો સૌથી મોટો વધારો 90 વર્ષ કરતા વધુ વયના લોકોમાં થયો હતો. 16 ઓક્ટોબરના રોજ પૂરા થતાં સપ્તાહમાં કોવિડનાં કારણે આવા 132 લોકોના મૃત્યુ થયા હતા. જે અગાઉના અઠવાડિયા કરતા લગભગ 67 વધારે છે. તાજેતરના મૃત્યુમાંથી 521 લોકો હોસ્પિટલોમાં, 106 કેર હોમ્સમાં, 33 ખાનગી મકાનોમાં, 6 હોસ્પીસમાં થયા હતા.