ઓમિક્રોન વેરિયન્ટની ચિંતા વચ્ચે હોંગકોંગે ભારત અને યુકે સહિત આઠ દેશો માટેની ફ્લાઇટ પર પ્રતિબંધ લાદ્યો છે. આ બે દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને અમેરિકાની ફ્લાઇટ પર પણ શનિવારની મધ્યરાત્રીથી બે સપ્તાહ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
બુધવારે જાહેર કરવામાં આવેલા નવા કોરોના નિયંત્રણો મુજબ બાર અને જીમ સહિતના આશરે એક ડઝન બિઝનેસ બંધ રહેશે અને ઇવનિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવ્યા છે. ઝીરો કોવિડ સ્ટ્રેટેજી ધરાવતાં હોંગકોંગમાં આ નવા નિયંત્રણોથી ઇન્ટરનેશન બિઝનેસ હબને આર્થિક ફટકો પડશે. તેની ઝીરો કોવિડ નીતિથી કોરોના કેસો નીચા રહ્યાં છે, પરંતુ તેના નાગરિકો માટે વિશ્વના બાકીના દેશો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
ચીનની જેમ હોંગકોંગે પણ સમગ્ર કોરોના મહામારી દરમિયાન આકરા નિયંત્રણો લાદ્યા છે. શહેરમાં મંગળવારની સાંજ સુધીમાં ઓમિક્રોનના 114 કેસ નોંધાયા હતા. મોટાભાગના કેસો એરપોર્ટ પર અથવા 21 દિવસના હોટેલ ક્વોરેન્ટાઇન દરમિયાન નોંધાયા છે. હોંગકોંગમાં મોટાભાગની મુસાફરો માટે 21 દિવસનો હોટેલ ક્વોરેન્ટાઇન ફરજિયાત છે.
ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમે જણાવ્યું હતું કે આરોગ્ય અધિકારીઓને હવે આશંકા છે કે ચેપી વેરિયન્ટ કમ્યુનિટીમાં ફેલાઈ રહ્યો છે. હોંગકોંગમાં શુક્રવારથી તમામ મોટી જાહેર ઇવેન્ટ રદ થશે. બાર, નાઇટક્લબ, જિમ અને બ્યૂટી પાર્લર પણ બંધ રાખવામાં આવશે. સાંજે 6 વાગ્યા પછી રેસ્ટોરામાં ડાઇનિંગ પર પ્રતિબંધ આવશે. તમામ ક્રૂઝ રદ કરવામાં આવી છે.