હોંગકોંગના લોકશાહી તરફી મીડિયા જૂથના માલિક જિલ્મી લાઈની સોમવારે તેની ઓફિસમાંથી ધરપકડ કરાઈ હતી અને તેને તેની ઓફિસમાંથી, કર્મચારીઓની હાજરીમાં હાથકડી પહેરાવી પોલીસ લઈ ગઈ હતી. ચીને નવો સુરક્ષા કાયદો લાગું કર્યો ત્યારથી સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવનારાઓ સામેની તવાઈનો આ તાજા કિસ્સો છે. 71 વર્ષના લાઈ સહિત સાત લોકોને વિદેશી બળો સાથેની સાંઠગાંઠના આરોપસર ધરપકડ કરાઈ હતી.
લાઈ નેક્સ્ટ ડિજિટલ પબ્લિશિંગ ગ્રુપનો માલિક છે અને તેના મીડિયા એકમોમાં એપલ નામના દૈનક ન્યૂઝપેપરનો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોએ સમાચાર સંસ્થાને આપેલી માહિતી મુજબ લાઈની સાથે તેના બે પુત્રોની પણ ધરપકડ કરાઈ છે.તેના સ્ટાફે લાઈની ઓફિસ ઉપર પોલીસના ઓપરેશનનો વિડિયો ઉતારી ફેસબુક ઉપર બ્રોડકાસ્ટ કર્યો હતો, તે ફૂટેજ દર્શાવે છે કે, 200 જેટલા પોલીસ કર્મચારીઓનો જંગી કાફલો મીડિયા હાઉસના ઓફિસ બિલ્ડિંગમાં ત્રાટક્યો હતો.
એપલ દૈનિક તેમજ નેક્સટ મેગેઝિન ખુલ્લેઆમ, કોઈ જ ખચકાટ વિના લોકશાહી તરફી છે અને ચીનની સરકારની આકરી ટીકા કરતા રહે છે. એપલ દૈનિકના તંત્રીએ પણ દરોડો પાડનારા પોલીસ અધિકારીઓને હિંમતપૂર્વક કહી દીધું હતુ કે, વોરન્ટ બતાવો અને અમે અમારા વકીલ પાસે તેની યોગ્યતાની ચકાસણી કરાવી લઈએ નહીં ત્યાં સુધી તમારા માણસોને કહી દેજો કે કોઈને હાથ લગાવે નહીં. પોલીસ ટીમે કોર્ટમાંથી મેળવેલું વોરન્ટ બતાવ્યું હતું. વિડિયોમાં ગ્રુપના માલિક લાઈને હાથકડી પહેરાવેલી હાલતમાં, પોલીસ અધિકારીઓથી ઘેરાયેલા બતાવાયા હતા.
હોંકકોંગ જર્નાલિસ્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ક્રિસ યેઉંગે આ ધરપકડને આઘાતજનક, ડરાવનારી ગણાવી હતી. ચીન કાયમ લાઈને “દેશદ્રોહી” તથા ગયા વર્ષના ઉગ્ર દેખાવોની પાછળ રહેલો “કાળો હાથ” ગણાવતું રહ્યું છે. લાઈનું અખબાર અને મેગેઝિન ખૂબજ લોકપ્રિય છે, પણ બહુ ઓછી કંપનીઓ તેમાં જાહેરાતો આપવાની હિંમત કરે છે, કારણ કે તેમને ચીની સરકારના ખોફનો ડર છે. લાઈ ગયા વર્ષે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓ તથા વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સને મળ્યા તે પછી તો તે વિદેશી બળો સાથે ભળેલા હોવાનો પ્રચાર ચીનના સરકારી મીડિયામાં જોરશોરથી ચલાવાઈ રહ્યો છે.