અગ્રણી ઓટો કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL)એ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત તેના પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1 લાખ કારની હતી. કંપની તેના ગ્રેટર નોઇડા પ્લાન્ટમાં હોન્ડા સિટી, હોન્ડા CR-V અને હોન્ડા સિવિક જેવી કારનું ઉત્પાદન કરતી હતી.
HCIL જાપાનની હોન્ડા મોટરની ભારત ખાતેની પેટાકંપની છે. કંપનીએ વર્ષ 1997માં ગ્રેટર નોઈડા પ્લાન્ટની સ્થાપના કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ગ્રેટર નોઈડા પ્લાન્ટમાં HCILની કોર્પોરેટ હેડ ઓફિસ પહેલાની જેમ ચાલુ રહેશે. આ સિવાય, સ્પેર પાર્ટ્સ ડિવિઝન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર પણ કાર્યરત રહેશે.
HCILએ તેના મેન્યુફેક્ચરિંગ લાઇન અસોસિએટ્સ માટે આ વર્ષની શરૂઆતમાં વોલન્ટરી રિટાયર્મેન્ટ સ્કીમ (VRS) લોન્ચ કરી હતી. આ સ્કીમનો ઉદ્દેશ પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતા વધારવાનો હતો. હોન્ડા કાર ઇન્ડિયાએ નોઇડા સ્થિત પ્લાન્ટ બંધ કરવાથી ભારત સરકારના મેક-ઇન ઇન્ડિયા પ્રોજેકટને વધુ એક ફટકો લાગ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ત્રણ ઓટોમોબાઇલ કંપનીઓએ ભારતમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવાનોન નિર્ણય લીધો છે.
માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, ગ્રેટર નોઇડાનો પ્લાન્ટ બંધ થયા બાદ કંપની હવે રાજસ્થાન સ્થિત તાપુકારા પ્લાન્ટ પર નિર્ભર રહેશે. આ પ્લાન્ટમાં પ્રોડક્ટ્સની સંપૂર્ણ રેન્જનું પ્રોડક્શન થશે. HCILએ ચાલુ વર્ષે નવેમ્બરમાં ભારતમાં 9,990 કારનું વેચાણ કર્યુ છે જે વાર્ષિક તુલનાએ 55 ટકા વધુ વેચાણ દર્શાવે છે. કંપનીએ ગયા વર્ષના નવેમ્બરમાં 6,549 કાર વેચી હતી.