સેન્ટર ફોર હોમલેસનેસ ઈમ્પેક્ટ દ્વારા પ્રસિધ્ધ કરાયેલા એક નવા પોલિસી પેપરમાં વંશીય લઘુમતીઓના લોકોમાં ઘરવિહોણા તરીકે આંકવામાં આવતી અસમાનતાઓને દૂર કરવા માટે ચોક્કસ હસ્તક્ષેપની જરૂર છે તેમ જણાવાયું છે. આ અહેવાલમાં સમગ્ર બ્રિટનમાં ઘરવિહોણા લોકોમાં તીવ્ર અસમાનતા હોવાનું અને વંશીય લઘુમતીઓનું સતત વધુ પડતું પ્રતિનિધિત્વ દર્શાવાયું છે.
સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાં માનવ ભૂગોળના પ્રોફેસર નિસા ફિની દ્વારા લખાયેલ અહેવાલમાં જણાવાયું છે કે ‘’ઈંગ્લેન્ડમાં શ્વેત લોકો કરતાં અશ્વેત લોકો ઘરવિહોણા થાય તેવી શક્યતા ત્રણ ગણાથી વધુ અને સ્કોટલેન્ડમાં તે બમણી શક્યતા છે. જ્યારે મિશ્ર જાતિના લોકોની ઈંગ્લેન્ડમાં ઘરવિહોણા થવાની શક્યતા લગભગ બમણી છે. તો શ્વેત બ્રિટિશ જૂથો કરતાં તમામ વંશીય જૂથોને આવાસના ગેરલાભનો અનુભવ થવાની શક્યતા વધુ હતી. બાંગ્લાદેશી, અશ્વેત આફ્રિકન, અશ્વેત અન્ય અને પાકિસ્તાની જૂથો શ્વેત બ્રિટિશ લોકો આવાસનો ગેરલાભ અનુભવે તેવી શક્યતા બમણા કરતાં વધુ છે.’’
પેપરમાં સરકારોએ ઘરવિહોણા કાર્યક્રમોમાં જાતિ સમાનતાનો અભિગમ લાવવા સહિત અન્ય સુચનો કર્યા હતા. સેન્ટર ફોર હોમલેસનેસ ઈમ્પેક્ટના સીઈઓ ડૉ. લિગિયા ટેકસીરાએ આ સ્થિતીને ખૂબ જ ચિંતાજનક ગણાવી હતી.