કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન એન્ડ ચેરિટિબલ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસના આદેશ આપ્યા છે. હોમ મિનિસ્ટ્રીએ તેના માટે એક ઈન્ટર મિનિસ્ટ્રિયલ કમિટિ પણ બનાવી છે. જે કોઓર્ડિનેશન કરશે. તપાસનું નેતૃત્વ એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટના એક સ્પેશ્યલ ડિરેક્ટર કરશે. આ વખતે ગાંધી પરિવાર સાથે જોડાયેલા આ બન્ને ટ્રસ્ટે નિયમોનું ઉલ્લંઘન તો નથી કર્યુંને તેની તપાસ કરાશે. થોડા દિવસ પહેલા ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ દાન મળ્યું હતું.
રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કુલ ત્રણ ટ્રસ્ટોની તપાસ કરાવવામાં આવશે. જેમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સામેલ હશે. આરોપ છે કે આ ટ્રસ્ટોએ નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને ઈનકમ ટેક્સના નિયમોને પણ તોડવાનો આરોપ છે. મળતી માહિતી પ્રમાણે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરના એક સ્પેશ્યલ ડાયરેક્ટર આ તપાસ ટીમનું નેતૃત્વ કરશે.
થોડા દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી ફાળો મળ્યો હતો. કોંગ્રેસે આ આરોપોને ફગાવતા કહ્યું હતું કે, ભાજપ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારના આરોપ લગાવી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લક્ષ્યોને આગળ વધારવા માટે 21 જૂન 1991ના રોજ સોનિયા ગાંધીએ તેની શરૂઆત કરી હતી. ફાઉન્ડેશન એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરવા શોષિત અને દિવ્યાંગોના એમ્પાવરમેન્ટ માટે કામ કરતું હતું. જેનું કામકાજ દાનથી મળતી રકમથી ચાલતું હતું.
સોનિયા ગાંધી તેના ચેરપર્સન છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને પી.ચિદમ્બરમ ટ્રસ્ટી છે. ચીન મુદ્દે કોંગ્રેસે વડાપ્રધાન મોદીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. જવાબમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને ચીનની લિંક જણાવી હતી. નડ્ડાએ ગુરુવારે કહ્યું હતું કે, 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી 3 લાખ ડોલર(ત્યારે 90 લાખ રૂપિયા) મળ્યા હતા. નડ્ડાએ આજે કહ્યું કે,UPA વખતે સરકારી ફંડના પૈસા પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.