કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર (હાડકાંનું કેન્સર) થયું હોવાની બોગસ ટ્વિટનો ફોટો બનાવીને વાયરલ કરીને જૂઠાણું ફેલાવવા બદલ પાંચ શખ્શોની ધરપકડ કરાઈ છે. આ પૈકી ફેક મેસેજ વાયરલ કરનાર ચાર શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે જ્યારે એકને વડોદરા પોલીસે ઝડપી લીધો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલા આરોપીઓઓ પૈકી બે ભાવનગરના અને બે અમદાવાદના હોવાનું જાણવા મળ્યુ છે. વડોદરા પોલીસે ઝડપેલો આરોપી વડોદરાનો છે. આ બનાવટી ટ્વિટને કારણે દેશભરનાં લોકોને આઘાત લાગ્યો હતો અને અમિત શાહના સ્વાસ્થ્ય અંગે લોકોમાં ચિંતા ઉભી થઈ હતી. આ બોગસ મેસેજ વાયરલ થતાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી અને સાયબર ક્રાઈમની મદદથી આરોપીઓને ઝડપી લીધાં હતાં.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અમદાવાદથી ફિરોઝખાન જાફરખાન પઠાણ અને સરફરાઝ અબ્દુલ મજીદ મેમણ જ્યારે ભાવનગરથી સજાદઅલી બચુભાઈ નાયાણી અને સીરાજ હુસૈન મહેમદઅલી વિરાણીની ધરપકડ કરી છે. આ પૈકી ત્રણ આરોપીની પહેલાં ધરપકડ થઈ ચૂકી હતી જ્યારે શનિવારે સાંજે ચોથો આરોપી ફિરોઝ ખાન પઠાણ પણ ઝડપાઈ ગયો હતો.
વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે પોસ્ટ કરવા બદલ ક્રાઈમ બ્રાંચે જીતેન્દ્ર સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સોલંકીએ ફેસબુક પર અમિત શાહ અંગેની પોસ્ટ શેર કરી હતી. અમિત શાહને ગંભીર બીમારી થઈ ગઈ હોવાની બનાવટી અને એડિટિંગ વાળી પોસ્ટ શેર કરતાં સોલંકીની ધરપકડ કરાઈ છે.
આ અફવાને લઇને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ નિવેદન આપ્યું હતું કે, હું પૂર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઇ બીમારી નથી. તેમણે કહ્યું કે, જે લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મારા મનમાં કોઇ દ્વેષ નથી.