કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. શાહે જણાવ્યું હતું કે તેઓ કોરોના સામે લડવામાં પોતાની મદદ કરનારા તમામ લોકોના આભારી છે. તેમણે ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. શાહે જણાવ્યું હતું કે તેઓ ડોક્ટર્સની સલાહ પર હજુ થોડા દિવસ ઘરે જ આઈસોલેશનમાં રહેશે.
55 વર્ષીય અમિત શાહનો બે સપ્તાહ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે કેબિનેટની મિટિંગમાં ભાગ લીધો તેના તુરંત બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલો. આ મિટિંગમાં પીએમ મોદી સહિતના ટોચના પ્રધાનો હાજર હતા. આ મિટિંગમાં જો કે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાનો ફેલાવો અટકાવવા માટેની તમામ તકેદારી રાખવામાં આવી હતી.02 ઓગસ્ટના રોજ અમિત શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
તેમની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ ડોક્ટર્સની સલાહ પર તેઓ એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ સેલ્ફ ક્વોરન્ટાઈન થવા માટે સલાહ આપી હતી. આ જ સપ્તાહે અમિત શાહ હોસ્પટિલમાં એડમિટ હતા તે વખતે ભાજપના સાંસદ મનોજ તિવારીએ શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો કર્યો હતો.
જો કે આ ટ્વીટ ગણતરીની મિનિટોમાં જ ડિલિટ કરી દેવાયું હતું. ત્યારબાદ ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે શાહનો કોઈ રિપોર્ટ કરાયો જ નથી. અમિત શાહ ઉપરાંત મોદી સરકારના મંત્રી અર્જુનરામ મેઘવાલને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેઓ હાલ સારવાર હેઠળ છે. આ સિવાય કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા, કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, કાર્તિ ચિદમ્બરમ જેવા રાજકીય નેતાઓ પણ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે.