લોર્ડ જીતેશ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં જણાવ્યું હતું કે, “રાણી ભારત અને વિશાળ ઉપખંડ સાથે જોડાયેલા હતા. જે સમગ્ર કોમનવેલ્થના 2.5 બિલિયન લોકોના લગભગ 75 ટકા છે. જેના ઉદાહરણ તરીકે ભારત સરકારે રવિવારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે, હું જાણું છું કે અમારા નવા રાજા કોમનવેલ્થ માટે તેમની માતા જેવી જ પ્રાથમિકતાઓ શેર કરે છે અને દક્ષિણ એશિયાના તમામ દેશો સાથે ઊંડી અને કાયમી જોડાણ જાળવી રાખે છે.”
લોર્ડ રાજ લૂમ્બાએ યાદ કર્યું હતું કે ‘’1997માં લંડનમાં બ્રિટિશ ભારતીય સુવર્ણ જયંતિ સમારંભ દરમિયાન બ્રિટન પર સભ્યતાના પ્રભાવ માટે ભારતનો આભાર વ્યક્ત કરી તત્કાલીન પ્રિન્સ ઑફ વેલ્સે વેદોનું અવતરણ કર્યું હતું. હું જાણું છું કે રાણીનો ભારત અને કોમનવેલ્થ પ્રત્યેનો પ્રેમ તેના મોટા પુત્ર કિંગ ચાર્લ્સ III દ્વારા સંપૂર્ણ રીતે વહેંચાયેલો હતો અને તેઓ તે વારસાને આગળ વધારવાનો પ્રયત્ન કરશે.’’
બેરોનેસ ઉષા પ્રાશરે રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોને ટાંકતા કહ્યું હતું કે “આપણે દુઃખમાં એમ ન કહેવું જોઈએ કે તેઓ હવે નથી, પરંતુ આભાર તરીકે કહેવું જોઈએ કે તેઓ આપણી સાથે હતા.’’
બેરોનેસ સેન્ડી વર્માએ અન્ય ઘણા લોકોની લાગણીઓનો પડઘો પાડ્યો હતો.
કેબિનેટ પ્રધાન અને COP26 પ્રમુખ આલોક શર્માએ પર્યાવરણ અંગે સ્વર્ગસ્થ રાણી અને તેમના અનુગામી કિંગ ચાર્લ્સની પહેલની સરાહના કરી હતી. ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે એમપી બન્યા પછી તરત જ એસેક્સમાં તેમના મતવિસ્તાર વિથામમાં રાણીની મુલાકાત વખતના “સ્નેહ અને ઉષ્મા”ને યાદ કર્યા હતાં.