નવા સંશોધન મુજબ અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય પશ્ચાદભૂની 51 ટકા મહિલાઓ મેનોપોઝની વાતચીતનો ભાગ અનુભવતી નથી. જ્યારે 26 ટકા મહિલાઓને તેમની વિશિષ્ટ પૃષ્ઠભૂમિના કારણે સંબંધિત મેનોપોઝ સપોર્ટ મેળવવામાં મુશ્કેલી પડે છે. આ તારણોના આધારે, હોલેન્ડ અને બેરેટે કોઇ ચાર્જ લીધા વગર હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને પંજાબીમાં ઓનલાઈન મેનોપોઝ કન્સલ્ટેશન સેવા શરૂ કરી છે. આ સેવા આપનાર પ્રથમ રિટેલરે કંપનીના તમામ 4,000 કર્મચારીઓએ મેનોપોઝના લક્ષણો અને ઉકેલો અંગે વધુ સારી સલાહ આપી શકે તે માટે વિસ્તૃત તાલીમ આપી છે.
યુકેની અગ્રણી હેલ્થ એન્જ વેલબીઇંગ રિટેલર કંપની હોલેન્ડ એન્ડ બેરેટે કેમ્પેઇન “એવરી મેનોપોઝ મેટર” હેઠળ ઓલિમ્પિયન અને મેનોપોઝ પ્રચારક, મિશેલ ગ્રિફિથરોબિન્સન અને નિષ્ણાત મીરા ભોગલના સમર્થનથી વિવિધ જરૂરિયાતોને અનુરૂપ, વધુ વૈવિધ્યસભર અને વ્યક્તિગત સલાહ આપવા નવી પહેલ શરૂ કરી છે.
લગભગ 31 ટકા લોકો માને છે કે તેમને પોતાની જ જાતિની મહિલા હેલ્થકેર પ્રોફેશનલ સાથે વાત કરવાની હોત તો તેમના મેનોપોઝના અનુભવમાં ફરક પડ્યો હોત. પંદર ટકા લોકો કહે છે કે તેમની માતૃભાષામાં વાતચીત કરવાથી સકારાત્મક ફરક પડ્યો હોત.
મેનોપોઝ નિષ્ણાત, મીરા ભોગલે કહ્યું હતું કે “સાઉથ એશિયાઈ સમુદાયમાં, સ્ત્રીઓના સ્વાસ્થ્ય વિશે સામાન્ય રીતે વાત કરવામાં આવતી નથી. મને જ્યારે 40 વર્ષની વયે પેરીમેનોપોઝલ લક્ષણોનો અનુભવ થયો ત્યારે મને પણ કોઈ જ ખબર નહોતી. તેથી જ H&B જે પગલાં લઈ રહ્યું છે તેનું હું ખરેખર સ્વાગત કરું છું. હું ખરેખર મેનોપોઝ બાબતે વાતચીત શરૂ થાય અને તમામ સમુદાયોની મહિલાઓને જરૂરી સલાહ અને સમર્થન મળે તે માટે મદદ કરવા માંગુ છું.’’