ભારતના ઓડિશામાં રમાઈ ગયેલી જુનિયર વર્લ્ડ કપ હોકી ચેમ્પિયનશિપની ફાઈનલમાં રવિવારે આર્જેન્ટીનાએ જર્મનીને 4-2થી હરાવી બીજી વખત તાજ ધારણ કર્યો હતો, તો છ વખત ચેમ્પિયન રહી ચૂકેલા હરીફે રનર્સ-અપ તરીકે સંતોષ માનવો પડ્યો હતો. બ્રોંઝ મેડલ માટેના જંગમાં ભારતને 3-1થી હરાવી ફ્રાન્સે ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું, તો ભારત ચોથા ક્રમે ધકેલાયું હતું.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય જુનિયર હોકી ટીમ ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી શકી નહી. રવિવારે જ ભુવનેશ્વરના કલિંગામાં રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ફ્રાન્સના ટીમોથી ક્લેમેન્ટે ૨૬મી અને ૩૪મી મિનિટે પેનલ્ટી કોર્નર ગોલમાં કન્વર્ટ કરતાં ટીમ ૨-૦થી આગળ થઈ હતી.
આર્જેન્ટીના અને જર્મની વચ્ચેની ફાઈનલ ભારે રોમાંચક રહી હતી. આર્જેન્ટીનાને ડોમેને શરૃઆતની ૨૫ મિનિટમાં જ ૨-૦થી સરસાઈ અપાવી હતી. જોકે હાયનેર અને મૅસી ફેન્ડિટના ગોલને સહારે જર્મનીએ મેચમાં ૨-૨થી બરોબરી મેળવી હતી. જોકે ડોમેનેએ ૫૦મી મિનિટે ગોલની હેટ્રિક કરી આર્જેન્ટીનાને સરસાઈ અપાવી હતી. છેલ્લી મિનિટે એગોસ્ટીનીએ ગોલ કરી ટીમને ૪-૨થી વિજેતા બનાવી હતી.એ અગાઉ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સેમિ ફાઇનલમાં પણ જર્મની સામે ૨-૪થી હારી ગયું હતું.