મસ્કતમાં રમાઈ ગયેલી એશિયા કપ મહિલા હોકી સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઊતરેલી ભારતીય મહિલા હોકી ટીમ ફક્ત બ્રોન્ઝ મેડલ જ હાંસલ કરી શકી હતી. ત્રીજા અને ચોથા સ્થાન માટેના જંગમાં ચીન સામે ભારતે ૨-૦થી વિજય મેળવી આશ્વાસનરૂપી છેલ્લો મેડલ મેળવ્યો હતો.
ભારતીય મહિલા ટીમે ૨૦૧૩ પછી પહેલી વખત બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. છેલ્લે ૨૦૧૭માં ચીનને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું હતુ.ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં પ્રવેશની સાથે જ આ વર્ષે યોજાનારા મહિલા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ હતી. ભારતીય ખેલાડીઓએ ચીન સામેની મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતુ. મેચની ૧૩મી મિનિટે શર્મિલા દેવીએ ગોલ કરી સરસાઈ મેળવી હતી, તે પછી ૧૯મી મિનિટે ગુરજીત કૌરે ગોલ કરી ભારતની લીડ ૨-૦ની કરી હતી. ચીનની ટીમ એક પણ ગોલ નોંધાવી શકી નહોતી.