ભારતની પુરુષ હોકી ટીમનો ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઈનલમાં બેલ્જિયમના સામે પરાજય થયો હતો.ભારતીય હોકી ટીમ ઈતિહાસ રચવાથી સ્હેજ માટે ચુકી ગઈ છે. જોકે હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે ઓસ્ટ્રેલિયા અથવા જર્મની સામે રમશે.
.બેલ્જિયમે ભારતને 5-2થી હરાવ્યુ હતુ પણ છેલ્લી 11 મિનિટ જ ભારતીય ટીમ માટે ભારે પડી ગઈ હતી. ભારતે મેચની 49 મિનિટ સુધી વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમને બરાબર ટક્કર આપી હતી. મેચના ત્રીજા ક્વાર્ટર સુધી બંને ટીમો 2-2થી બરાબરી પર હતી. ચોથા કવાર્ટરમાં શરુઆતથી બેલ્જિયમને આક્રમક હોકીનુ પ્રદર્શન કર્યુ હતુ. 48 અને 49 મિનિટ દરમિયાન બેલ્જિયમને બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જોકે આ બે કોર્નરમાં ગોલ થયો નહોતો પણ ત્રીજા કોર્નરને એલેક્સાંદ્ર હેન્ડ્રિક્સે ગોલમાં ફેરવી દીધો હતો. એ પછી ટીમ ઈન્ડિયા પાછળ પડી ગઈ હતી.
53મી મિનિટમાં બેલ્જિયમને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. જેને હેન્ડ્રિક્સે ચોથા ગોલમાં ફેરવી દીધો હતો. મેચની છેલ્લી મિનિટમાં જોન ડોહમેને ફરી ગોલ કરીને બેલ્જિયમને 5-2ની સરસાઈ અપાવી હતી. ભારતીય ટીમના કોચ ગ્રેહામ રીડે કહ્યુ હતુ કે, અમે મેચ જીતવા માટેની તકો ઉભી કરી હતી પણ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા.