ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ માતા બન્યા બાદ સફળતાપૂર્વક પુનરાગમન કરતાં હોબાર્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે.
સાનિયા અને યુક્રેનની નાદિયા કિચેનોકની જોડીએ ફાઈનલમાં ૬-૪, ૬-૪થી ચીનની જેંગ અને પેંગ શુઆઈને હરાવીને ટાઈટલ મેળવ્યું હતુ. સાનિયા મિર્ઝાએ એક કલાક અને ૨૧ મિનિટની રસપ્રદ રમતમાં જીત મેળવી હતી. બે વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર પુનરાગમન કરનારી સાનિયા મિર્ઝાનું આ માતા બન્યા બાદનું સૌપ્રથમ ટાઈટલ હતું. તેણે તેની કરિયરના ૪૨મા ડબલ્સ ટાઈટલને હાંસલ કર્યું હતું. અગાઉ તે અહીં વર્ષ ૨૦૦૭માં અમેરિકાની બેથાની મેટ્ટેકની સાથે વિજેતા બની હતી છે.
સાનિયા અને નાદિયાને ઇનામમાં ૧૩૫૮૦ અમેરિકી ડોલર્સ મળ્યા છે અને તેમને ૨૮૦ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા. સાનિયા આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ રમશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝાએ ૯૧ સપ્તાહ સુધી ડબલ્સના ડબલ્યુટીએ રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવ્યું હતું. છેલ્લે વર્ષ ૨૦૧૭માં તેની ચાઈના ઓપનની સેમિફાઈનલમાં હાર થઇ હતી.