વેસ્ટ મિડલેન્ડ્સના સોલીહલમાં સરકારની HMRC દ્વારા જોબ રીટેન્શન સ્કીમ – ફર્લોની £495,000ની શંકાસ્પદ છેતરપિંડી કેસમાં 57 વર્ષીય એક વ્યક્તિની તપાસના ભાગ રૂપે તા. 7 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી છે. સંડોવાયેલા માણસના કમ્પ્યુટર અને અન્ય ડિજિટલ ડિવાઇસીસ કબજે કરવામાં આવ્યા હતા અને તેના બિઝનેસ સંબંધિત બેંક ખાતાને ફ્રીઝ કરાયું હતું.
ધરપકડ કરાયેલા વ્યક્તિ સામે મલ્ટિ-મિલિયન પાઉન્ડના ટેક્સની છેતરપિંડી અને કથિત મની લોન્ડરિંગના ગુના બદલ આરોપ મૂકવામાં આવ્યા છે.
HMRCના ફ્રોડ ઇન્વેસ્ટીગેશન સર્વિસના કાર્યકારી ડિરેક્ટર, રિચાર્ડ લાસે કહ્યું હતું કે “કોરોનાવાયરસ જોબ રીટેન્શન યોજના નોકરીઓનું રક્ષણ કરવાના સામૂહિક રાષ્ટ્રીય પ્રયત્નોનો એક ભાગ છે. મોટા ભાગના એમ્પલોયર્સે યોજનાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કર્યો હશે, પરંતુ અમે તેનો દુરૂપયોગ કરનારા લોકો પર કાર્યવાહી કરતા અચકાશું નહીં.’’
HMRC દ્વારા જોબ રીટેન્શન સ્કીમ સાથે જોડાયેલા શંકાસ્પદ છેતરપિંડીના 4,400 અહેવાલો સામે આવ્યા છે જે સામે કાર્યવાહી કરાશે. જેમાંથી 800થી વધુ ફરિયાદ તો ફર્લો યોજના શરૂ થયાના એક મહિનામાં જ મળી હતી.