વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગત સપ્તાહે ગ્લોબલ ઇન્ટરફેઇથ વોશ અલાયન્સ અને ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમ દ્વારા ઐતિહાસિક ઓનલાઇન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સંસ્થાઓ દ્વારા આ શ્રેણીમાં કોવિડ-19 સંદર્ભે સાતમા સર્વધર્મ ઓનલાઇન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ, યુનિસેફ, વોટર સપ્લાય એન્ડ સેનિટેશન કોલાબોરેટિવ કાઉન્સિલ (WSSCC), યુનાઇટેડ રીલિજિયન્સ ઇનિશિએટિવ, પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીલિજિયન્સ, શિફ્ટ નેટવર્ક, અપલિફ્ટ, ઇન્ટરફેઇથ રેઇનફોરેસ્ટ ઇનિશિએટિવ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ વેબિનારની પ્રેરણા પરમાર્થ નિકેતનના પ્રેસિડેન્ટ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ આપી હતી. GIWAના સેક્રેટરી જનરલ સાધ્વી ભગવતી સરસ્વતીજીએ પેનલના સભ્યોની ઓળખ કરાવી હતી અને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ વર્ષે યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ ડેની ઉજવણીનો મુખ્ય વિષય બાયોડાયવર્સિટી હતો. તેના પરથી વેબિનારનો મુખ્ય વિષય ‘મૂવિંગ ફ્રોમ યુનાઇટેડ નેશન્સ ટુ અ યુનાઇટેડ ક્રિએશનઃ બ્રિજિંગ સાયન્સ એન્ડ ફેઇથ ઇઝ ધ સોલ્યુસન્સ’ રખાયો હતો. આ ભાવના સાથે, આ વેબિનાર દ્વારા બહુપક્ષીય કટિબદ્ધતા અને વિશ્વના સર્વધર્મના અગ્રણીઓ, આંતરસરકારી સંસ્થાનો અને માતૃભૂમિના જૈવવૈવિધ્ય અને કુદરતી પર્યાવરણની વ્યવસ્થાની સુરક્ષા માટે વૈજ્ઞાનિકોએ માનવતા દર્શાવવા અનુરોધ કર્યો હતો. વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીમાંથી બહાર આવવા માટે પ્રતિષ્ઠિત પેનલિસ્ટ્સ અને વ્યક્તિઓએ તમામ સહયોગ અને એકતા દર્શાવી હતી.
પેનલિસ્ટ્સ અને વક્તાઓમાં પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ઓફ ઇન્ટરરીલીજીયસ અફેર્સ, અમેરિકન જ્યૂશ કમિટી, ઇઝરાયેલના રબ્બી ડેવિડ રોસેન, જમિયત ઉલેમા-એ-હિન્દ, ઇન્ડિયાના સેક્રેટરી જનરલ મૌલાના મહમૂદ મદની, યુનાઇટેડ નેશન્સના રેસિડેન્ટ કોઓર્ડિનેટર રેનાટા લોક-ડેસ્સેલિઅન, યુનિસેફના પ્રતિનિધિ ડો. યાસ્મિન અલી હક, વોટર સપ્લાય એન્ડ સેનિટેશન કોલાબોરેટિવ કાઉન્સિલ, જીનીવાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સ્યૂ કોટીસ, સાધ્વી ભગવતીજી, યુનાઇટેડ રીલિજિઅન્સ ઇનિશિએટિવ, સાન ફ્રાન્સિસ્કોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રેવ. વિક્ટર કઝાનજીઅન, ઇકોશીખ, નેશનલ શીખ કેમ્પેઇન-અમેરિકાના પ્રેસિડેન્ટ ડો. રાજવંત સિંઘ, પર્યાવરણવિદ્ ડો. સુનિતા નારાયણ, રીસર્જન્સ એન્ડ ઇકોલોજિસ્ટ મેગેઝીન-યુકેના એડિટર ડો. સતિશ કુમાર વગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ મહાનુભાવોએ વર્તમાન સમસ્યા તથા તેના નિવારણ અંગે માહિતીપ્રદ, સમર્થ અને સકારાત્મક ચર્ચા કરી હતી. આવનારા સમયમાં કોરોના વાઇરસ સામે એકતા દર્શાવવા, પર્યાવરણની જાળવણી અને વિશ્વ શાંતિ માટે ધ ગ્લોબલ ઇન્ટરફેઇથ વોશ અલાયન્સ એલાયન્સ દ્વારા આવા અનોખા વેબિનાર્સના નિરંતર આયોજનો થતા રહેશે.