પાંચ સદી બાદ અયોધ્યામાં આવતીકાલે બુધવારે ઐતિહાસિક દિનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મોગલ બાદશાહ બાબરે અયોધ્યામાં રામમંદિરની જગ્યાએ બંધાયેલ મસ્જીદનો મામલો 500 વર્ષથી વિવાદાગ્રસ્ત હતો, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ફેસલા બાદ રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનું આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે. રામલલાના મંદિર નિર્માણ માટે સોમવારથી અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે, આજે હનુમાનગઢીમાં હનુમાનજીના નિશાનની પૂજા કરાઈ હતી. તેની સાથે રામ જન્મભૂમિના ગર્ભગૃહ સ્થળે રામાર્ચા પૂજન થયું હતું અને તેની સાથે દેવી સરયુનું પણ પૂજન થયું હતું.
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું હતું કે મુખ્ય પૂજન પાંચ ઓગષ્ટે વડાપ્રધાન નિર્ધારિત શુભમુર્હુતમાં કરશે અને આ મુર્હુત 32 સેક્ધડનું છે જે બપોરે 12 વાગ્યે 44 મીનીટ આઠ સેક્ધડથી લઈને 12 વાગ્યે 44 મીનીટ 40 સેકન્ડવચ્ચેનું છે. ભૂમિપૂજનને લઈને અયોધ્યામાં આજથી બે દિવસ દીપોત્સવ જેવો માહોલ સર્જાયો છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે રામમંદિરનું ભૂમિપૂજન આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે તેને લઈને અયોધ્યામાં સોમવારથી અનુષ્ઠાનનો આરંભ થઈ ચૂકયો છે.
મુખ્ય પૂજન આવતીકાલે 5મી ઓગષ્ટે વડાપ્રધાન મોદી નિર્ધારિત શુભ મુર્હુતમાં કરશે. આ મુર્હુત 32 સેક્ધડનું છે જ બપોરે 12 વાગ્યે 44 મીનીટ અને 40 સેકન્ડદરમિયાન છે. આયોજનની તૈયારીની જાણકારી લેવા મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે અયોધ્યાની મુલાકાત લીધી હતી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયે કારસેવકપુરમમાં પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે ભૂમિપૂજન કાર્યક્રમમાં કુલ 175 આમંત્રીત અતિથિ સામેલ થશે. 135 વિશિષ્ટ સાધુ-સંતો સિવાય અન્ય અતિથિઓને આમંત્રીત કરવામાં આવ્યા છે.
સાધન સુરક્ષા બંદોબસ્ત: ચંપતરાયે જણાવ્યું હતું કે કાર્યક્રમ માટે આમંત્રણ પત્ર જ પ્રવેશ પાસ છે. તેના પર સુરક્ષાને લઈને બાર કોડ લગાવવામાં આવ્યા છે, જે એક જ વાર ઉપયોગમાં લઈ શકાશે. આ પરિસ્થિતિમાં જો કોઈ એક વાર બહાર નીકળશે તો તેને બીજીવાર પ્રવેશ નહીં આપવામાં આવે. આમંત્રીત મહેમાન કાર્યક્રમમાં ઈલેકટ્રોનીક ઉપકરણ મોબાઈલ કે કેમેરા નહીં લઈ જઈ શકે.
યોગીએ હનુમાનગઢીમાં પુજા કરી: દરમ્યાન મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે રામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિપૂજનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. યોગીએ અયોધ્યાની મુલાકાત દરમિયાન રામલલાના દર્શન કર્યા હતા. આ દરમિયાન તે હનુમાનગઢી પણ ગયા હતા, ત્યાં તેમણે પૂજા-અર્ચના અને આરતી કરી હતી. મુખ્યમંત્રીએ આ દરમિયાન રામ કી પૈડી પર કરવામાં આવેલા કાર્યોની પણ માહિતી મેળવી હતી.
મોદી રામલલાના દર્શન બાદ પૂજનમાં સામેલ થશે: રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે પાંચ ઓગષ્ટે વડાપ્રધાન મોદી રામલલાના દર્શન બાદ ભૂમિપૂજનમાં સામેલ થશે. તેઓ 9 પ્રસ્તર ખંડનું પણ પૂજન કરશે. આ તકે વડાપ્રધાન રામલલા પર એક ટપાલ ટિકીટનું વિમોચન પણ કરશે.
પૂજન સમારોહમાં રામમંદિર આંદોલનના પાયાના પથ્થર જેવા વરિષ્ઠ નેતા અડવાણી અને મુરલી મનોહર જોષીને આમંત્રણ નથી અપાયું પરંતુ તેઓને વર્ચ્યુઅલ હાજર રહેવા આગ્રહ કરાયો છે. ઈકબાલ અન્સારીને આમંત્રણ: બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારી અને પદ્મશ્રી સમાજસેવી મોહમ્મદ શરીફને પણ ભૂમિપૂજન સમારોહમાં આમંત્રણ અપાયું છે. દિલ્હીમાં 11 લાખ દીપ જલશે: અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન સમારોહને લઈને રાજધાની દિલ્હીમાં પણ 11 લાખ દીપ પ્રગટાવવામાં આવશે.
આ તકે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે જણાવ્યું હતું કે ચાર અને પાંચ ઓગષ્ટે આપણે દીવા પ્રગટાવીએ, દીપોત્સવ ઉજવીએ અને રામાયણના પાઠ કરીને એ લોકોને યાદ કરીએ જેમણે મંદિર માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. આવતીકાલે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસની ઐતિહાસિક ઘટના બની રહી છે ત્યારે અયોધ્યાનગરી જાણે કેસરીયા ધ્વજના શણગાર સજયા છે. અહીં અનેક સ્થળો, ભવનો, મંદિરોમાં કેસરીયા ધ્વજ લહેરાઈ રહ્યા છે.