પાકિસ્તાનના હિંદુ છોકરીઓ અને મહિલાઓના બળજબરીથી થતાં ધર્માંતરણ અને લગ્નનો વિરોધ કરવા માટે કરાચીમાં હિન્દુ સમુદાયે ગત સપ્તાહે એક રેલી યોજીને ઉગ્ર વિરોધ કર્યો હતો. દેખાવકારોથી થોડે દૂર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઈ હતી. દેખાવકારોએ પ્લેકાર્ડ અને બેનરો લઈને હિંદુ છોકરીઓ અને મહિલાઓના બળજબરીથી થતાં ધર્માંતરણ વિરુદ્ધ અટકેલું બિલ પસાર કરવા સરકાર સમક્ષ માગણી કરી હતી.
એક હિન્દુ સંગઠન પાકિસ્તાન દરાવર ઇત્તેહાદ (PDI)ના નેજા હેઠળ હિન્દુઓએ ગુરુવારે કરાચી પ્રેસ ક્લબની બહાર અને સિંધ એસેમ્બલી બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર વિરોધી દેખાવો કર્યા હતા.
આ સંગઠનના સભ્યે જણાવ્યું હતું કે સિંધી હિંદુઓ અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના હિન્દુઓની માત્ર 12 અને 13 વર્ષની ઉંમરની યુવતીઓને ધોળે દિવસે ઉઠાવી જવામાં આવે છે અને ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પાડીને મોટી ઉંમરના મુસ્લિમ પુરુષો સાથે તેમના લગ્ન કરી દેવામાં આવે છે.
તાજેતરના મહિનાઓમાં સિંધમાં આવા કેસોમાં વધારો થયો છે. 2019માં સિંધ પ્રાંતના વિવિધ જિલ્લાઓમાં હિંદુ છોકરીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો સિંધ વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગેના ઠરાવની ચર્ચા થઈ હતી, પરંતુ બિલ મંજૂર થયું ન હતો.