વારાણસીની સિટી કોર્ટે બુધવારે હિન્દુ અરજદારોને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના અગાઉ સીલ કરાયેલા ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી.જોકે મુસ્લિમ પક્ષે આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારની જાહેરાત કરી હતી.
આદેશમાં કોર્ટે કહ્યું હતું કે વિશ્વનાથ મંદિરના પૂજારીઓ પ્રાર્થના કરી શકે છે અને કહ્યું હતું કે મસ્જિદના ભોંયરામાં પ્રવેશને અવરોધતા બેરિકેટ દૂર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. અગાઉ ASI સર્વેક્ષણ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ બેરિકેટ દ્વારા ભોંયરાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. જ્ઞાનવાપીનો ASI સર્વે રિપોર્ટ 25 જાન્યુઆરીએ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર કોમ્પ્લેક્સની અંદર ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવલિંગની મૂર્તિઓ મળી આવી છે. 34 પુરાવા ટાંકવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર સંકુલ મંદિરની રચના પર ઉભું છે. મસ્જિદ સંકુલની અંદર ‘મહામુક્તિ મંડપ’ નામનો પથ્થરનો સ્લેબ પણ મળી આવ્યો છે.
ASIએ રિપોર્ટમાં લખ્યું છે કે જ્ઞાનવાપીમાં એક મોટું હિન્દુ મંદિર હતું. 17મી સદીમાં જ્યારે ઔરંગઝેબનું શાસન હતું. તે સમયે જ્ઞાનવાપી માળખું તોડી પાડવામાં આવ્યું હતું. કેટલાક ભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. મૂળ રૂપ પ્લાસ્ટર અને ચૂનો વડે છુપાયેલું હતું. 839 પાનાના અહેવાલમાં ASIએ સંકુલના મુખ્ય સ્થળોનો ઉલ્લેખ કર્યો છે.