• અમિત રોય દ્વારા

જ્યારે શ્રીચંદ હિંદુજાએ મને પહેલીવાર કહ્યું કે રાજ કપૂર મારા ખાસ મિત્ર છે, ત્યારે મને નવાઇ લાગી હતી. 1963માં શ્રીચંદ અને મધુના લગ્નમાં હાજરી આપનાર સુપ્રસિદ્ધ અભિનેતાનો મુંબઈના એસપીના સ્ટાફે એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ શોધી કાઢ્યો હતો જેમાં એસપીના માતા-પિતા, પરમાનંદ અને જમુના અને તેમના ભાઈ ગોપી પણ ફોટોમાં છે.

1964ની રાજ કપૂરની હિટ ફિલ્મ પછી યુકેમાં હિન્દુજાની પેરેન્ટ કંપનીનું નામ “સંગમ લિમિટેડ” રખાયું હતું. એસપી તે વખતે રાજ કપૂરને ઇરાનના પાટનગર તેહરાન લઈ ગયા હતા જ્યાં તેઓ એટલા બધા લોકપ્રિય હતા કે લોકોએ હંગામો મચાવ્યો હતો. તેમને સિનેમાના પાછળના રસ્તેથી એક પ્રિઝન વાનમાં ભાગવું પડ્યું હતું. એસપીએ તે વખતે ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ માટે £100,000 ચૂકવ્યા હતા. તેમણે રાજ કપૂર સાથે સ્ટુડિયોમાં બેસીને સંગમ ફિલ્મના 4 કલાક અને 15 મિનિટના રનિંગ ટાઈમમાં લગભગ 20 મિનિટનો ઘટાડો કર્યો હતો જેમાં એક ગીત પણ કાપ્યું હતું.

એસપીએ યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે “તે સમયે રાજ કપુરે છાતીની ડાબી બાજુ પીડા થતી હોય તેવી મજાક કરતાં કહ્યું હતું કે ‘શ્રીભાઈ મારી ફિલ્મનું શું થવાનું છે?’ મેં તેમને કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં મેં ભારે રોકાણ કર્યું છે માટે તમે ચિંતા કરશો નહિં.’ અંતમાં, સંગમ બ્લોકબસ્ટર સાબિત થયું હતું. ‘મને વિશ્વાસ હતો કે સંગમ સફળ રહેશે. જ્યાં ભારતીય સમુદાયો હતા તેવા પરંપરાગત યુકે, ઇસ્ટ આફ્રિકા, કેનેડા, દુબઈ સહિત અખાતના દેશોમાં ભારતીય મૂવીઝ રીલીઝ કરાઇ હતી. જ્યારે ઈરાન, ટર્કી અને થાઈલેન્ડને અજમાવવામાં આવ્યા ન હતા. રશિયનો રાજ કપૂર વિશે પાગલ હતા. રાજ કપૂર ખૂબ જ ક્રિએટિવ વ્યક્તિ હતા, તેમની કલા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ હતા.’’

એસપીએ કહ્યું હતું કે ‘’એડિટીંગ પછી ફિલ્મને કાં તો સબટાઇટલ આપવામાં આવ્યા હતા અથવા ડબ કરાઇ હતી. ઇરાન માટે ફારસીમાં ડબ કરાઇ હતી અને સંગમના તમામ પોસ્ટરો અને પ્રચાર સામગ્રી તૈયાર કરાવામાં અમે સામેલ હતા. કદાચ ફિલ્મને ફારસી ભાષામાં ડબ કરનાર અમે પ્રથમ હતા. તેહરાનમાં એક જ સિનેમામાં, સંગમ રેકોર્ડ 14 મહિના સુધી ચાલી હતી.

એસપીએ કહ્યું હતું કે “1957માં અમે નક્કી કર્યું હતું કે અમે ફિલ્મના વ્યવસાયમાં પ્રવેશ કરીશું. અમે રાજ કપૂરની શ્રી 420 બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ સાથે શરૂ કર્યું હતું. અમે નોંધ્યું હતું કે તેમની ફિલ્મો માણવા માટે હિન્દી જાણવું જરૂરી નહતું. અમારા મોટા ભાઈ ગિરધર 1950ના દાયકામાં ઈરાનમાં રહેતા હતા અને તેમને ઇરાનમાં ભારતીય ફિલ્મોને પ્રમોટ કરવાનો વિચાર આવ્યો હતો.’’

એસપી કહે છે કે ‘’રાજે મને કહ્યું હતું કે ‘હા, હું ઈરાન જઈશ. આપણે પ્રીમિયરમાં જઈશું.’ પરંતુ તેઓ તેહરાન જતી પ્રથમ ફ્લાઇટ ચૂકી જતા મારે બીજી ફ્લાઇટ ગોઠવવી પડી હતી. તેહરાનમાં શ્રી 420 ના વિજયી પ્રીમિયરમાં તે સાંજે રાજ કપૂર સૂટ અને લાલ ટાઈમાં ખૂબ જ ચમકતા સ્ટાર દેખાતા હતા. તેઓ પ્લેટફોર્મ પર જતાં જ મુખ્યત્વે મહિલાઓ સહિતની ભીડે ચીસો પાડી હતી. કેટલીક સ્ત્રીઓએ તેમને ચુંબન કરવાનો પ્રયાસ કરતા તેઓ ગભરાયા હતા.’’

એસપી કહે છે કે ‘’હિન્દી સિનેમાના દિગ્ગજો મહેબૂબ ખાન, હોમી વાડિયા, વી શાંતારામ, જીપી સિપ્પી, બી. આર. ચોપરા પાસેથી ફિલ્મો ખરીદી આખી દુનિયામાં તેનો પ્રચાર કર્યો હતો. 1957 થી 1984 સુધીની તમામ ભારતીય ફિલ્મો અમારા દ્વારા ફાઇનાન્સ અને નિકાસ કરવામાં આવી હતી. અમે ફિલ્મો સાથે સંકળાયેલા હોવાથી વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ ફેસ્ટિવલ કાન સાથે પણ ગાઢ જોડાણ હતું.  તે છેલ્લાં ત્રણ દાયકાઓમાં, ભાગ્યે જ એકાદ વર્ષ એવું હશે કે હું અથવા મારો ભાઈ કાનમાં ગયા ન હોય. જ્યાં અમારું ઘર છે, વિલા પેરાડિસ્ક, જ્યાં અમે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રોકાતા. 2002માં, જ્યારે સંજય લીલા ભણસાલી કાનમાં ગ્રાન્ડ લ્યુમિયરમાં ઑફિશિયલ સ્ક્રીનિંગ માટે ‘દેવદાસ’ને લાવ્યા, ત્યારે અમે ઐશ્વર્યા રાય સહિતના કલાકારોની ઘરે જ આદતાસ્વાગતા કરી હતી. તેના પછીના વર્ષે અમે ઐશ્વર્યાના સન્માનમાં એક પાર્ટી આપી હતી જેઓ કાનની જ્યુરીમાં હતા. મોટાભાગના અન્ય જ્યુરી સભ્યો પણ આવ્યા હતા.’’

એસપી કહે છે કે“2008માં, અમે દેવ આનંદ માટે લંચનું આયોજન કર્યું હતું. ત્યારે કાન ક્લાસિક્સ તરીકે ઓળખાતા વિભાગમાં તેમની ‘ગાઇડ’ દર્શાવાઇ હતી. કાન ફેસ્ટીવલ તે વખતે 61મા વર્ષમાં હતો, દેવ આનંદ 84ના હતા. ત્યારે દેવના નાના ભાઈ વિજય આનંદે અત્યાર સુધીની સૌથી લોકપ્રિય હિન્દી ફિલ્મોમાંની એક લખી અને દિગ્દર્શિત કરી હતી. ત્યારે જિનીવાથી આવેલા મારા ભાઈ પ્રકાશ મારી પડખે ઉભા હતા, અમને મહેમાનોને યાદ અપાવતા આનંદ થયો હતો કે, ‘અમે બાઝી, જ્વેલ થીફ અને ગાઈડ સહિતની દેવસાહેબની તમામ ફિલ્મો વિદેશમાં વિતરિત કરી છે.’

એસપી કહે છે કે“2009માં, શર્મિલા ટાગોર મુખ્ય જ્યુરીમાં હતા ત્યારે પ્રકાશે પાર્ટીની અધ્યક્ષતા કરી હતી. સર બેન કિંગ્સલે ‘તીન પત્તી’ના પ્રચાર માટે આવ્યા હતા. જેમાં તેમણે અમિતાભ બચ્ચન સાથે અભિનય કર્યો હતો. તે ફિલ્મનું નિર્માણ મુંબઈમાં રહેતા મારા સૌથી નાના ભાઈ અશોકની પુત્રી અંબિકા દ્વારા કરાયું હતું. તો અમારી 2002ની પાર્ટી પણ રાજ કપૂરના પરિવારના સભ્યો માટે હતી. તેમના પુત્ર રણધીરની આગેવાની હેઠળ, તેઓ તે વર્ષે કાનમાં પ્રદર્શિત રાજ કપૂરના ક્લાસિક્સના રેટ્રોસ્પેક્ટીવ માટે આવ્યા હતા. તેમને ‘બોલિવૂડના રાજકુમાર’ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. તેમની સરાહના કરતા પ્રતિષ્ઠિત ફ્રેન્ચ સિનેમા વિવેચક પિયર રિસેન્ટે લખ્યું છે કે ‘’આ પ્રસંગે રજૂ કરાયેલી રાજ કપૂરની ત્રણેય ફિલ્મો આગ, બરસાત અને આવારા હૃદય અને દિમાગથી યુવાન એવા કોઈપણ ફિલ્મ જોનારાને આનંદ આપશે. ગીતોને ‘ઉત્સાહ, આનંદ અને ખુશીની અંતિમ અભિવ્યક્તિ’ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. રાજ કપૂર પોતે એક નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા, એડિટર, સંગીતકાર, વાર્તાકાર અને સૌથી ઉપર, ભારતીય ફિલ્મ ઉદ્યોગના પૂર્વજોમાંના એક તરીકે વખાણવામાં આવ્યા હતા. તે જાદુઈ રાત્રે, મને એક સારા મિત્ર, તેહરાનની તે ફ્લાઇટ અને શ્રી 420નું પ્રીમિયર યાદ આવ્યું હતું.”

LEAVE A REPLY