યુકેમાં આઇકોનિક ઓલ્ડ વોર ઓફિસ (OWO) ઇમારતનું સફળતાપૂર્વક પુનઃનિર્માણ કર્યા પછી હિન્દુજા ગ્રુપ ભારત અને વિશ્વના બીજા દેશોમાં આવા પ્રોજેક્ટ્સ હાથ ધરવાની પ્રક્રિયામાં છે.
ગ્રુપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાએ જણાવ્યું હતું કે લંડન અને ભારત પ્રત્યેકમાં £700 અને £1 બિલિયનમાં વધુ બે હેરિટેજ પ્રોપર્ટીની આગામી 2થી 3 મહિનામાં જાહેરાત કરાશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સપ્તાહે પ્રથમ જાહેરાત લંડનની પ્રોપર્ટીની થશે. તે ઘણી જ અજોડ છે. અમે હાલમાં પુનઃનિર્માણ કરી રહ્યાં છીએ તેના કરતાં પણ વધુ અજોડ છે. ભારતમાં પ્રોપર્ટીની 2થી 3 મહિનામાં જાહેરાત કરાશે. આ તમામ ઐતિહાસિક ઇમારતો છે. અમે આધુનિક નહીં, પરંતુ ઐતિહાસિક અને હેરિટેજ પસંદ કરીએ છીએ. અમે મંત્રણા કરી રહ્યાં હોય તેવો કોઇ પ્રોજેક્ટ 700 મિલિયનથી એક બિલિયન પાઉન્ડથી ઓછી રકમનો નથી.
હિન્દુજા ગ્રુપે વિશ્વના વિવિધ દેશોમાં આવા જ નિર્માણ પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે નવા બિઝનેસ વર્ટિકલની સ્થાપના કરી છે. ગોપીચંદ હિન્દુજાએ જણાવ્યું હતું કે અમારી પાસે ટીમ છે. અમે અનુભવ ધરાવીએ છીએ, અમે પ્રક્રિયા જાણીએ છીએ અને અમને આવા પ્રોજેક્ટ્સ માટે નાણાં સંસ્થાઓનો વિશ્વાસ મળ્યો છે.
યુકેની આઇકોનિક ઓલ્ડ વોર ઓફિસ હસ્તગત કર્યાના આઠ વર્ષ પછી હિન્દુજા ગ્રુપ આ વર્ષે દિવાળીની આસપાસ તે ખુલ્લી મૂકવા સજ્જ છે. ઓલ્ડ વોર ઓફિસનો હિન્દુજા ગ્રુપે 120 રૂમની લક્ઝરી હોટેલ અને 85 બ્રાન્ડેડ રેસિડન્સ તરીકે વિકાસ કર્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે એશિયન મીડિયા ગ્રૂપ લંડનના ઉપક્રમે યોજાયેલા એશિયન બિઝનેસ એવોર્ડસમાં હિન્દુજા એશિયાના ધનિકોની યાદીમાં નંબર-1 રહ્યાં હતા.