અનિલ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ કેપિટલની બુધવારે યોજાયેલા હરાજીના બીજા રાઉન્ડમાં ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા હિન્દુજા ગ્રૂપ એકમાત્ર બિડર તરીકે ઊભર્યું હતું. આ ગ્રૂપે નાદાર કંપની માટે રૂ.9,650 કરોડની બિડ કરી હતી.
નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની હોવા ઉપરાંત RCap અનિલ અંબાણીના ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસ માટેની માટે હોલ્ડિંગ કંપની હતી. કંપનીની નાદારી પછી, જૂથમાં બાકી રહેલી સૌથી મૂલ્યવાન સંપત્તિ RCapની સામાન્ય વીમો અને જીવન વીમા પેટાકંપનીઓ છે. વીમા ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે વીમા કંપનીઓમાં આરકેપનું હોલ્ડિંગ રૂ.10,000 કરોડથી વધુ મૂલ્યનું હતું, પરંતુ નાદારી અંગેની ગૂંચવણોના પરિણામે નીચું વેલ્યુએશન થઈ રહ્યું છે.
બુધવારની હરાજીમાં, ટોરેન્ટ ગ્રૂપે ભાગ લીધો ન હતો. ટોરેન્ટ પ્રથમ રાઉન્ડમાં 8,640 કરોડ રૂપિયા સાથે સૌથી વધુ બોલી લગાવી હતી અને બીજા રાઉન્ડની હરાજી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ફેબ્રુઆરીમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ટોરેન્ટને સર્વોચ્ચ બિડર તરીકે જાહેર કર્યું હતું, અને જણાવ્યું હતું કે પ્રક્રિયા સમાપ્ત થયા પછી હિન્દુજાની વિલંબિત બિડ અમાન્ય હતી.જોકે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ બિડર્સને આગળ વધવા અને હરાજીનો બીજો રાઉન્ડ યોજવાની મંજૂરી આપી હતી. ટોરેન્ટે NCLATના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, પરંતુ સ્ટે મેળવવામાં નિષ્ફળ રહી હતી.ટોરેન્ટની અરજીના જવાબમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ કેસની તપાસ કરશે.સૂત્રોએ જણાવ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય લે તેવી શક્યતા છે.