અગ્રણી ઉદ્યોગપતિ અને હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ચાર હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા, શ્રીચંદ પરમાનંદ હિન્દુજાનું બુધવારે સવારે લંડનમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિમેન્શિયાથી પીડાતા હતાં.
હિન્દુજા પરિવારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગોપીચંદ, પ્રકાશ, અશોક અને સમગ્ર હિન્દુજા પરિવાર આજે ભારે હૈયે, ખૂબજ દુઃખ સાથે પરિવારના વડા અને હિન્દુજા ગ્રુપના અધ્યક્ષ શ્રી એસ પી હિન્દુજાના નિધનની જાહેરાત કરે છે.”
તેમની દિકરીઓ શાનુ અને વિનુ હિંદુજાએ કહ્યું હતું કે “અમે અમારા પિતા એસપી હિન્દુજાના નિધનની ખૂબ જ દુઃખ સાથે ઘોષણા કરીએ છીએ. એસપી ઉદ્યોગ અને વ્યવસાયના સ્વપ્નદ્રષ્ટા ટાઇટન, માનવતાવાદી અને પરોપકારી હતા. તેમણે તેમની જીવનસફર દરમિયાન અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ કર્યો હતો, અને અમે તેમની સાથે જે સમય સંભાળ્યો તેના માટે અમે હંમેશા આભારી છીએ.
બ્રિટિશ નાગરિક એસપી હિન્દુજા તેમના પરિવારમાં ભાઈઓ ગોપીચંદ, પ્રકાશ અને તથા બે પુત્રીઓ શાનુ અને વિનુને વિલાપ કરતાં છોડી ગયા છે. તેમની પત્ની મધુનું જાન્યુઆરી 2023માં અવસાન થયું હતું.
પરિવારના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે “એસપી હિન્દુજા અમારા સ્વર્ગસ્થ પિતા પરમાનંદ દીપચંદ (પીડી) હિન્દુજાના સ્થાપક સિદ્ધાંતો તથા મૂલ્યોના સંવર્ધન સાથે પરિવારના એક સ્વપ્નદ્રષ્ટા અને માર્ગદર્શક હતા. તેમણે યુકે અને ભારત વચ્ચે મજબૂત સંબંધ બાંધવામાં તેમના ભાઈઓની સાથે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ હિન્દુજા ગ્રુપના સ્થાપક સિદ્ધાંતો તથા મૂલ્યોને સાચા અર્થમાં જીવ્યા હતાં અને મૂર્તિમંત કર્યા હતા. એક આધ્યાત્મિક અને પરોપકારી વ્યક્તિ તરીકે તેઓ પોતાના નિર્ણયોમાં સાહસિક અને હૃદયમાં ઉદાર હતાં. તેમના નિધનથી મોટો શૂન્યવકાશ સર્જાયો છે, કારણ કે ભાઇઓ હંમેશા ચાર શરીર અને એક આત્મા રહ્યાં છે”
એસપી હિન્દુજાનો જન્મ બ્રિટિશ ભારતમાં સિંધ પ્રાંતના કરાચીમાં 1935માં થયો હતો. તેમણે ડાવર્સ કોલેજ ઓફ કોમર્સ અને મુંબઈની આરડી નેશનલ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ પીડી હિન્દુજા અને જમુના હિન્દુજાના બીજા પુત્ર હતા. તેમના પારિવારિક બિઝનેસની સ્થાપના પરમાનંદ દ્વારા કરવામાં આવી હતી, જેઓ ઈરાન જતા પહેલા 1919માં મુંબઈમાં ચા અને સૂકા ફળોનો વેપાર કરતા હતા.
એસપી હિંદુજાએ તેમની બિઝનેસ કારકિર્દીની શરૂઆત પિતાના મુંબઈ અને તેહરાન, ઈરાનમાં સ્થાપિત ટેક્સટાઈલ અને ટ્રેડિંગ બિઝનેસમાં કરી હતી. તેઓ શરૂઆતમાં ડુંગળી અને બટાકા સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ આયર્ન ઓરની ભારતથી ઈરાન નિકાસ કરતા હતા.
હિન્દુજા ભાઈઓએ 1960ના દાયકામાં સુકાન સંભાળી ધંધાનો ઘણો વિસ્તાર કર્યો હતો. 1980ના દાયકામાં અશોક લેલેન્ડ (બ્રિટિશ લેલેન્ડમાંથી) અને ગલ્ફ ઓઈલ (શેવરોનમાંથી)ના સંપાદન અને 1990ના દાયકામાં સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતમાં બેંકોની સ્થાપના સાથે, હિન્દુજા ભારતના સૌથી જાણીતા બિઝનેસ ટાયકૂન્સમાંના એક બન્યા હતા.અહેવાલો અનુસાર, એસપી હિન્દુજા ચુસ્ત શાકાહારી હતા અને કદી દારૂ પીતા ન હતા. તેઓ બકિંગહામ પેલેસમાં રાણીના ભોજન સમારંભમાં પણ પોતાનું શાકાહારી ભોજન લઇ જવા માટે જાણીતા હતા.
ઈસ્ટર્ન આઈ દ્વારા પ્રકાશિત એશિયન રિચ લિસ્ટ 2022માં હિન્દુજા ફેમિલી £30.5 બિલિયનની અંદાજિત સંપત્તિ સાથે ટોચ પર છે. આ ગ્રૂપ હવે પાવર, ઓઇલ અને ગેસ, બેન્કિંગ, હેલ્થકેરમાં રસ ધરાવે છે અને વિશ્વભરમાં આશરે 200,000 લોકોને રોજગારી આપે છે.