હિન્દુજા ગ્લોબલ સોલ્યુસન્સ (એચજીએસ)એ જણાવ્યું હતું કે કંપની તેનો હેલ્થકેર સર્વિસ બિઝનેસ આશરે 1.2 બિલિયન ડોલરમાં પીઇ કંપની બેરિંગ પ્રાઇવેટ ઇક્વિટી એશિયાને વેચશે. કંપનીના આ બિઝનેસે પ્રથમ ક્વાર્ટરમાં રૂા.861 કરોડની આવક નોંધાવી હતી અને તેને કુલ આવકમાં 56 ટકા યોગદાન આપ્યું હતું.
હેલ્થકેર બિઝનેસ પેયર્સ, પ્રોવાઇડર, લેબોરેટરીઝ, ડ્યુરેબલ મેડિકલ ઇક્વિપમેન્ટ કંપનીઓ અને ફાર્મા કંપનીઓને સપોર્ટ કરે છે. તેની સર્વિસમાં મેમ્બર એક્વિઝિશન, એનરોલમેન્ટ એન્ડ બિલિંગ, બેનિફિટ સેટ-અપ અને ક્લેમ સહિતની પેયર્સની વિવિધ સર્વિસને કવર કરે છે.
આ બિઝનેસ ફિલિપાઇન્સ, ભારત, અમેરિકા અને જમૈકામાં આશરે 20,000 કર્મચારીઓ ધરાવે છે. આ બિઝનેસને ગયા નાણાકીય વર્ષમાં આશરે 400 મિલિયનની આવક નોંધાવી હતી. આ સોદા બાદ કંપની તમામ ક્લાયન્ટ કોન્ટ્રાક્ટ, કર્મચારીઓ, એસેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેરિંગને ટ્રાન્સફર કરશે.
એચજીએસના ગ્લોબલ સીઇઓ પાર્થ સરકારે જણાવ્યું હતું કે હેલ્થકેર બિઝનેસમાં સારી વૃદ્ધિ નોંધાવી છે. અમે કંપનીના હિતધારકો માટે મૂલ્ય બહાર લાવવા આ બિઝનેસનો હિસ્સો વેચવાની પ્રમોટર્સને ભલામણ કરી શકીએ તેવા તબક્કે આવી ગયા છીએ. બિઝનેસના વેચાણથી થયેલી આવકનો ઉપયોગ એચજીએસના ભાવિ વિકાસ માટે કરાશે.