હિન્દુજા બંધુઓ વોલસ્ટ્રીટના સ્પેક ટ્રેન્ડમાં જોડાવાની વિચારણા કરી રહ્યાં છે. તેમની આ હિલચાલથી લંડન એક્સ્ચેન્જને ફટકો પડી શકે છે.
હિન્દુજા પરિવાર તેમના વડપણ હેઠળની ઇલેક્ટ્રિક બસ કંપની સ્વિચ મોબિલિટીનું સ્પેશ્યલ પર્પઝ એક્વિઝિશન કંપની અથવા સ્પેક (Spac) મારફત અમેરિકામાં લિસ્ટિંગની વિચારણા કરી રહ્યાં છે. આ ડીલમાં સ્વિચ મોબિલિટીનું વેલ્યુએશન બે બિલિયન ડોલર (1.4 બિલિયન પાઉન્ડ) આંકવામાં આવે તેવો અંદાજ છે, એમ સ્કાય ન્યૂઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું. સ્વિચ મોબિલિટીના ચેરમેન એસ્ટન માર્ટિનના ભૂતપૂર્વ વડા એન્ડી પાલ્મર છે.
જોકે આ અંગે સ્વિચ મોબિલિટી કે અશોક લેલેન્ડે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
સ્વિચ મોબિલિટીની માલિક કંપની ભારતની અગ્રણી ટ્રક કંપની અશોક લેલેન્ડ છે. અશોક લેલેન્ડ લંડન સ્થિત હિન્દુજા ગ્રૂપની એક કંપની છે. અશોક લેલેન્ડે 2010માં પ્રથમ વખત આ કંપનીનો હિસ્સો ખરીદ્યો હતો. આ પછી નવેમ્બરમાં તેનું નામ ઓપ્ટેરથી બદલીને સ્વિચ કરવામાં આવ્યું હતું.
બનબરી સ્થિત ઇલેક્ટ્રિક વાન એન્ડ બસ કંપની એરાઇવલ પણ 5.4 બિલિયન ડોલરની ડીલમાં સ્પેક મારફત અમેરિકામાં લિસ્ટિંગ માટે સજ્જ છે. બ્રિટનની બીજી કંપનીઓ પણ સ્પેક્સ મારફત અમેરિકામાં લિસ્ટિંગની વિચારણા કરી રહી છે. આવી કંપનીઓમાં યુઝ્ડ કાર વેબસાઇટ કેઝૂ અને હેલ્થકેર એપ બેબિલોનનો સમાવેશ થાય છે.