કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સતીશ જરકીહોલીએ સોમવારે એક વિવાદાસ્પદ નિવેદનમાં જણાવ્યું હતું કે હિન્દુ શબ્દ ભારતનો નથી, આ શબ્દ ફારસી છે. તેમણે કહ્યું કે ફારસીઓ ઈરાન, ઈરાક, કિર્ગિસ્તાનમાં છે. એવામાં આ શબ્દ આપણો ક્યાંથી થઈ ગયો? તેમના આ નિવેદનથી ભારે વિવાદ જાગ્યો છે. ભાજપ સહિતના પક્ષોએ તેમની આકરી ટીકા કરી હતી. વિવાદના બીજા દિવસે તેમણે દાવો કર્યો હતો કે જો કોઇ તેમને ખોટા પુરવાર કરશે તો તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.
કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદનથી પોતાને દૂર કરી દીધી હતી. ભાજપે તેને તૃષ્ટીકરણનો પ્રયાસ ગણાવ્યો હતો.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ભારત સાથે હિન્દુનો શું સંબંધ છે. એ તમારો કેવી રીતે થઈ ગયો? એની ચર્ચા થવી જોઈએ. તેમણે વારંવાર કહ્યું કે હિન્દુ શબ્દ તમારો નથી. આ સાથે તેમણે લોકોને વિકિપીડિયા પર જોવા માટે કહ્યું હતું. જો તમે હિન્દુ શબ્દનો અર્થ સમજશો તો તમને શરમ આવી જશે. તેમણે કહ્યું કે હિન્દુનો જે અર્થ થાય છે તે ખૂબ જ ગંદો છે. તેમણે કહ્યું કે ક્યાંકનો ધર્મ, ક્યાંકનો શબ્દ લાવીને તમે અમારા પર પરાણે થોપી રહ્યા છો. કર્ણાટક કોંગ્રેસના નેતા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બેલાગવી જિલ્લામાં પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે આ વાંધાજનક નિવેદન આપ્યું હતું.