યુકે સ્થિત કાઉન્ટર-ટેરરિઝમ થિંક-ટેન્ક હેનરી જેક્સન સોસાયટીએ બુધવારે જાહેર કરેલા નવા અહેવાલમાં યુકેની શાળાઓમાં હિંદુફોબિયાના ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. તેના ઉદાહરણ તરીકે હિંદુ વિદ્યાર્થીઓને તેમના મુસ્લિમ સાથી વિદ્યાર્થીઓ દ્વારા બુલિઇંગથી બચવુ હોય તો ઇસ્લામ સ્વીકારવાનું કહેવામાં આવે છે. તો ક્યાંક ગાયનું માંસ (બીફ) ફેંકવામાં આવે છે જેને શાળાઓમાં હિંદુ વિરોધી નફરતના કિસ્સાઓ તરીકે જોવામાં આવે છે. આ અહેવાલમાં એવી ચિંતાઓ વ્યક્ત કરાઇ છે કે હિંદુ ધર્મ શીખવવા માટેના કેટલીક શાળાઓના અભિગમો પૂર્વગ્રહને ઉત્તેજન આપે છે.
હેનરી જેક્સન સોસાયટીના ‘શાળાઓમાં હિન્દુ વિરોધી નફરત’ વિષેના સર્વેક્ષણમાં 51 ટકા હિંદુ માતા-પિતાએ અહેવાલ આપ્યો છે કે તેમના બાળકને શાળામાં હિન્દુ વિરોધી નફરતનો સામનો કરવો પડ્યો છે. તો સર્વેક્ષણમાં સામેલ 19% હિંદુ માતા-પિતા માને છે કે શાળાઓ હિંદુ વિરોધી નફરતને ઓળખવામાં સક્ષમ છે. જ્યારે 15% હિંદુ માતા-પિતા માને છે કે શાળાઓ હિંદુ-વિરોધી ઘટનાઓને યોગ્ય રીતે સંબોધિત કરે છે.
અહેવાલમાં નોંધ્યું છે કે અભ્યાસના કેટલાક સહભાગીઓ દ્વારા હિંદુ ધર્મ પરના શિક્ષણને હિંદુ વિદ્યાર્થીઓ પ્રત્યે ધાર્મિક ભેદભાવને ઉત્તેજન આપવા તરીકે નોંધવામાં આવ્યું હતું. આ અહેવાલ બ્રિટિશ શાળાઓમાં હિંદુઓ સામેના ભેદભાવના વ્યાપને પ્રકાશિત કરે છે.
આ નિષ્કર્ષ શાળાઓમાં હિંદુઓને થતા અનુભવ વિશે વધુ જાગૃતિ અને સમજની તાકીદની જરૂરિયાત પર ભાર મૂકે છે અને અન્ય ઓછા જાણીતા પ્રકારના પૂર્વગ્રહો કે જે બ્રિટનના ક્લાસરૂમ્સમાં પ્રગટ થઈ શકે છે તેના પર વધુ સંશોધન કરે છે. તો વધુ ચોક્કસ અને સચોટ રિપોર્ટિંગ મિકેનિઝમ્સની જરૂરિયાતને પણ રજૂ કરે છે.
ઇંગ્લેન્ડની શાળાઓમાં 16 વર્ષની વય સુધીનું ધાર્મિક શિક્ષણ (RE) ફરજિયાત છે તેમ જ તેને GCSE અભ્યાસક્રમ હેઠળ એક્ઝામ મોડ્યુલ તરીકે લેવાનો વિકલ્પ છે. ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન (FOI)ના આધારે શાળાના બાળકોના અનુભવ વિશે 988 વાલીઓ પાસેથી માહિતી માંગવા ઉપરાંત દેશભરની 1,000 શાળાઓને માહિતી પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. FOIના જવાબમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથેની 1%થી ઓછી શાળાઓએ છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ હિંદુ-વિરોધી ઘટનાઓની જાણ કરી છે.
બેરોનેસ સંદિપ વર્માએ રિપોર્ટના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, “આ અહેવાલ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રકાશ પાડે છે. જો આપણા બાળકો તેમના ધર્મને ધ્યાનમાં લેતા શાળાએ જવાથી ડરતા હોય, તો તે સ્વીકાર્ય નથી.
રિપોર્ટના લેખક શર્લોટ લિટલવુડે જણાવ્યું હતું કે ‘’એશિયા કપની ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના પગલે ગયા વર્ષે લેસ્ટરમાં હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસા અંગેના તેમના વિશ્લેષણ દરમિયાન શાળાઓ પર તેમનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. અમને જે જાણવા મળ્યું તે એ હતું કે શિક્ષકો સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, જેમાં હિંદુ ધર્મના રિડક્ટિવ અને કેટલીક જગ્યાએ પૂર્વગ્રહયુક્ત મંતવ્યો આવરી લેવામાં આવ્યા હતા. જો આપણે આગળ વધવા માટે એક સમાન બ્રિટન બનવું હોય, તો આપણે ક્લાસ રૂમમાં તમામ પ્રકારની નફરતનો સામનો કરવો પડશે.” 0
તેમના અહેવાલમાં જણાવાયું હતું કે ક્લાસરૂમમાં પ્રદર્શિત કેટલાક ભેદભાવો હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના લેસ્ટરમાં અશાંતિ દરમિયાન જોવા મળેલી નફરતની અભિવ્યક્તિઓ સાથે સમાનતા દર્શાવે છે.
“હિંદુઓ પ્રત્યે અપમાનજનક સંદર્ભોના અસંખ્ય કિસ્સાઓ જણાવાયા હતા, જેમ કે તેમના શાકાહારની મજાક ઉડાવવી અને તેમના દેવી-દેવતાઓને લઇને નીચાજોણું કરવું વગેરે. આવું જ વર્તન લેસ્ટરમાં હિંદુ સમુદાય વિરુદ્ધ રેલી કાઢી રહેલા ઇસ્લામવાદી ઉગ્રવાદીઓ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. ભારતમાં રાજકારણ અને સામાજિક મુદ્દાઓ માટે હિંદુઓને જવાબદાર ઠેરવવાના વીસ ઉલ્લેખો છે જે 9/11 પછીના વાતાવરણમાં ઇઝરાયેલ અને મુસ્લિમો સાથે યહૂદીઓ સાથેના વ્યવહારની યાદ અપાવે છે.’’
આ અહેવાલ દ્વારા સરકાર માટે શ્રેણીબદ્ધ ભલામણો કરાઇ છે, જેમાં તમામ પ્રકારની નફરત આધારિત બુલિઇંગની નોંધ કરવાની જરૂરિયાત, આવી ઘટનાઓની જાણ કરવી, શાળાઓ માટે નિષ્ણાત વસ્તી વિષયક અને ધર્મ આધારિત તાલીમ અને હિન્દુ સમુદાય સાથે વધુ સંલગ્નતાનો સમાવેશ થાય છે.
અહેવાલ માટે જુઓ https://youtu.be/eKuxeC9-bzo