ભારતના અને સમગ્ર વિશ્વમાં વસતા સૌ હિન્દુઓને મન પવિત્ર શહેર અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે લગભગ હજાર વર્ષ પછી ફરીથી ભગવાન શ્રી રામચંદ્રજીનું સુંદર અને મનોરમ્ય મંદિરના નિર્માણ માટે તા. 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજન થઇ રહ્યું છે. રામ જન્મભૂમિ ખાતે જ ભગવાન રામનું મંદિર થાય તે માટે છેલ્લા 550 વર્ષથી અથાક પ્રયત્નો કરી રહેલ હિન્દુ જનસમુદાયની સાથે યુકેમાં વસતા હિન્દુઓએ પણ વર્ષ 1989માં લંડન નજીકના મિલ્ટન કિન્સમાં વિરાટ હિન્દુ સંમેલન યોજ્યું હતુ. તે સમયે રામ મંદિર માટે શીલાનુ પૂજન કરી તે શીલા અયોધ્યા મોકલવામાં આવી હતી.
આપના લોકપ્રિય સાપ્તાહિક ગરવી ગુજરાત અને તેના તંત્રી સ્વ. શ્રી રમણિકલાલ સોલંકી દ્વારા તે સમયે 2 સપ્ટેમ્બર 1989ના અંકમાં 12 પાનાનો સચિત્ર અને વિસ્તૃત વિશાંષાંક પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેને આપ આ સાથેની લીંક https://www.gg2.net/digital/2ndSeptember1989/ પર ક્લીક કરીને ડાઉનલોડ કરી વાંચી શકશો. આ મનોરમ્ય વિશેષાંકના ભગવા રંગથી સજ્જ પ્રથમ પાન પર ભારતના સુપ્રસિધ્ધ સંતો, રામ શીલા તેમજ કોકિલ કંઠી લત્તા માંગેશકર અને અનુપ જલોટાજીની તસ્વીર પ્રસિધ્ધ કરાઇ હતી.
તા. 26 અને 27 ઓગસ્ટ 1989ના રોજ મિલ્ટન કીન્સના બાઉલ ખાતે મીની કુભ સમાન વિરાટ હિન્દુ સંમેલન સ્વ. પૂ સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના વડપણ હેઠળ યોજવામાં આવ્યું હતું. જેનો શુભારંભ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ડોક્ટર સ્વામી દ્વારા દીપ પ્રકટાવીને કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય વરિષ્ઠ સંતો પૂ. મોરારી બાપુ, મુની ચિત્રભાનુજી, પૂ. રમેશભાઇ ઓઝા, મુનિ સુશીલકુમારજી, પૂ. વિષ્ણુ પુરીજી મહારાજ તેમજ અગ્રણીઓ રાજમાતા વિજય રાજે સિંધીયા, ઉમા ભારતી જી, રામાયણ સીરીયલના રામાનંદ સાગર, એમપી સર્વ શ્રી કીથ વાઝ, નીલ થોર્ન, પોલ બોટેંગ, જેમ્સ પાવર્સ, મેક્ષમેડ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દાલમીયા, સંગીતકાર રવિન્દ્ર જૈન, ભારતીય હાઇ કમિશ્નર મહારાજ કૃષ્ણ રાસગોત્રા ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનના પ્રમુખ તરીકે શ્રી નાથુજી જગજીવન તેમજ અન્ય અગ્રણીઓમાં શ્રી હસમુખભાઇ વી. શાહ શીરમોર હતા. મિનિ કુંભ મેળા સમાન આ સંમેલનમાં એક લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.