અનુપમ મિશન, ડેન્હામ ખાતે હિન્દુ ક્રિમેટોરીયમ માટે આપવામાં આવેલી મંજૂરી અને એમાં પણ ગ્રીન બેલ્ટની જમીન પર આપવામાં આવેલી મંજૂરીને જોતાં સમગ્ર યુકેમાં હિન્દુ ક્રિમેટોરીયમની સ્થાપના માટેનો માર્ગ આસાન થઇ ગયો છે અને આવા જ કારણોસર વિવિધ શહેરોમાં ક્રિમેટોરિયમ ઉભા કરી શકાશે એવી દલીલ થઇ રહી છે.
અનુપમ મિશનના ઓવરસીઝ ચેરમેન સતીષભાઇ ચટવાણીએ ‘ગરવી ગુજરાત’ને એક્સક્લુસિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે પ્લાનિંગ ઇન્સ્પેક્ટરેટ દ્વારા ગ્રીન બેલ્ટની જમીન પર સ્મશાનગૃહની માંગને ન્યાયી ઠેરવતી વખતે આ ક્રિમેટોરિયમની જરૂરિયાત માટેના ખૂબ જ વિશિષ્ટ સંજોગો, હિન્દુઓની આસ્થા અને સાંસ્કૃતિક કારણો, સમગ્ર નોર્થ અને વેસ્ટ લંડન અને આસપાસની કાઉન્ટીઓમાં વસતા હિન્દુ સમુદાયની અંતિમસંસ્કારની જરૂરીયાત, ધાર્મિક માન્યતાઓ તથા પરંપરાઓને લક્ષ્યમાં લેવાયા હતા. તેમણે જરૂરી અન્ય સગવડોના અભાવના કારણે અન્ય ક્રિમેટોરિયમ્સમાં હિન્દુ સંસ્કારો અને ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમસંસ્કાર કરવામાં પડતી મુશ્કેલીઓને પણ ધ્યાનમાં લીધી હતી. હિન્દુ સમુદાયમાં સ્મશાનગૃહના અભાવના કારણે વ્યક્તિના મત્યુનો મલાજો (ડીગ્નીટી) જળવાતો નથી તેમજ હિન્દુઓને આ દેશમાં સમાન અધિકાર મળતો નથી તેવા પૂરાવા અમે રજૂ કર્યા હતા જેને કારણે અમને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી મળતા હવે અન્ય સંસ્થાઓ તેનો કોર્ટ અને પ્લાનીંગ કમીટીઓ સમક્ષ વર્ષો સુધી ઉપયોગ કરી શકાશે.’’
ક્વોલિફાઇડ આર્કિટેક્ટ પ્લાનર, લંડન એસેમ્બલીના પૂર્વ મેમ્બર અને લંડન તથા હેરોની પ્લાનીંગ કમિટીમાં મોખરાના હોદ્દાઓ ધરાવી ચૂકેલા શ્રી નવિનભાઇ શાહે ‘ગરવી ગુજરાત’ને એક્સક્લુસિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’અનુપમ મિશનને પર્પઝ બિલ્ટ હિન્દુ ક્રિમેટોરિયમ માટે જે રીતે ગ્રીન બેલ્ટની જમીન પર મંજૂરી મળી છે તે ખરેખર આનંદની વાત છે. હિન્દુ, જૈન અને શિખ સમુદાય ઘણાં સમયથી આ માટે માંગણી કરતો આવ્યો હતો. જે કારણોને લક્ષમાં લઇને અનુપમ મિશનને મંજૂરી આપવામાં આવી છે તે જોતાં આગામી વર્ષોમાં હિન્દુ ક્રિમેટોરિયમની સ્થાપના કરવા માટે મંજૂરી મેળવવાનું ઘણા શહેરો અને સંસ્થાઓ માટે આસાન થઇ જશે. જો કે પ્લાનિંગ પરમિશન આપવા માટે જે તે વિસ્તારના વ્યક્તિગત સંજોગો, જમીનના મેરીટ્સ, એન્વાયર્નમેન્ટ, પાર્કિંગ અને અન્ય. બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. જો કે અન્ય સંસ્થાઓ માટે આ ચુકાદો ખરેખર ઉપયોગી બનશે એમાં કોઇ બે મત નથી.’’
હિન્દુ ક્રિમેટોરિયમ અંગેની રોચક માહિતી
વિસ્તાર: 2169 ચોરસ મીટર
પાર્કીંગ: 200 કાર
ડીનર/શાવર વિસ્તાર: 3500 સ્કવેર ફીટ
સમય: સવારે 9થી 6
શુભારંભ: 2 વર્ષમાં
લાભાર્થી: હિન્દુ, જૈન અને શિખ