હિન્દુ કાઉન્સિલ ઑફ વેલ્સ અને ભારતીય માનદ કોન્સ્યુલ રાજ અગ્રવાલ દ્વારા સ્થાનિક આર્મ્ડ ઓફિસર્સ સાથે મળીને રવિવાર તા. 2 ઓગસ્ટના રોજ બપોરે કાર્ડિફમાં સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જે વેલ્સમાં માર્ચ મહિનામાં લગાવાયેલા લૉકડાઉન પછીનો પ્રથમ ધાર્મિક કાર્યક્રમ છે. આ વર્ષે સામાજિક અંતરના પગલાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં જે તે વ્યક્તિ દ્વારા જાતે જ રાખડી બાંધવામાં આવી હતી અને કાર્યક્રમમાં સંખ્યાને નિયંત્રીત કરવા દરેક સમયે 2 મીટરનુ અંતર જાળવવામાં આવ્યું હતું.
રાજ અગ્રવાલ તેમના રોયલ નેવીના કેપ્ટનના ગણવેશમાં સજ્જ હતા. કાર્યક્રમનો હેતુ સશસ્ત્ર દળો, કટોકટી સેવાઓ અને સમુદાયના નેતાઓએ સમુદાય માટે આપેલા તેમના મૂલ્યવાન યોગદાન બદલ ટેકો આપી આભાર વ્યક્ત કરવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં રોયલ નેવી, આરએએફ અને આર્મીનું પ્રતિનિધિત્વ કરતા બ્રિગેડીયર જોક ફ્રેઝર, એર કૉમોડોર એડ્રિયન વિલિયમ્સ અને લેફ્ટનન્ટ કર્નલ જોનાહ મેકગીલ તેમજ તેમના સહયોગી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ અગ્રવાલે કહ્યું હતું કે “આજે એક બીજાની મળવુ તે ખાસ ક્ષણ છે અને ઘણા પરિચિત ચહેરાઓ જોઇને આનંદ થયો. ભાઈચારાના મજબૂત બંધનો દર્શાવવાની આ શાનદાર તક રહી. આપણે હજી પણ સામાજિક અંતર જાળવવા માટે જાગ્રત રહેવું જોઈએ અને આ કાર્યક્રમ માટે ફેરફાર કર્યા છે જેથી સામાજિક અંતર જાળવી શકીએ અને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરી શકીએ. હું આ મુશ્કેલ સમયમાં વૃદ્ધો, સંવેદનશીલ અને નિર્બળ લોકો તથા જરૂરિયાતમંદોની સંભાળ રાખવા બદલ સમુદાયના નેતાઓ અને સ્વયંસેવકોનો ખૂબ આભાર માનું છું.”
હિન્દુ કાઉન્સિલ ઑફ વેલ્સના વાઇસ ચેર, કરસન વાઘાણીએ જણાવ્યું હતું કે, “આ પડકારજનક સમયમાં રક્ષાબંધનની ઉજવણી કરવા કિંમતી સમય ફાળવવા બદલ અમે સશસ્ત્ર દળો, કટોકટી સેવાઓ અને સમુદાયના નેતાઓના ખૂબ આભારી છીએ. ખાસ કરીને કેપ્ટન રાજ અગ્રવાલ. જેઓ હંમેશા અમારા માટે ઉપસ્થિત રહે છે. ‘’