દક્ષિણ ભારતની પ્રાદેશિક ફિલ્મો બોલિવૂડ ફિલ્મો કરતાં વધુ સફળ બની રહી છે ત્યારે ભારતમાં હિન્દી ભાષાનો વિવાદ ઊભો થયો છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગન અને કન્નડ એક્ટર સુદીપ કિચ્ચા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંવાદે રાજકીય વળાંક લીધો હતો. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારામૈયા અને કુમારસ્વામી પણ ચર્ચામાં જોડાયા હતા અને દલીલ કરી હતી કે હિન્દી દેશની અન્ય ભાષાઓ જેવી જ છે અને રાષ્ટ્રભાષા નથી.
બોમ્માઇના કેબિનેટ સાથી ડો. સી એન અશ્વથ નારાયણે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્તરે વાતચીતની ભાષા તરીકે હિન્દી શીખવામાં કશું ખોટું નથી.” મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે, “સુદીપે જે કહ્યું છે તે સાચું છે. ભાષાના આધારે રાજ્યોની રચના પછી ભાષાઓને મહત્વ મળ્યું હતું.
કોંગ્રેસ નેતા સિદ્ધારામૈયાએ ટિ્વટ કર્યું હતું કે, “હિંદી ક્યારેય રાષ્ટ્રભાષા નહીં બની શકે. આપણા દેશની ભાષાકીય વિવિધતાનું સન્માન કરવું દરેક ભારતીયની ફરજ છે. દરેક ભાષાનો સમૃદ્ધ ઇતિહાસ છે, જેનું તેના લોકોને ગૌરવ છે. મને કન્નડિગા હોવાનો ગર્વ છે.” જેડી(એસ)ના નેતા કુમારસ્વામીએ પણ સિદ્ધારામૈયા જેવા જ વિચાર વ્યક્ત કર્યા હતા અને સુદીપનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “એક્ટર સુદીપનું માનવું છે કે હિંદી રાષ્ટ્રભાષા નથી, જે સાચું છે. તેના નિવેદનમાં કશું ખોટું જણાતું નથી. એક્ટર અજય દેવગણનો સ્વભાવ ગુસ્સાવાળો તો છે જ પણ તેણે હાસ્યાસ્પદ વર્તણૂક દર્શાવી છે. ભારત વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિનો બગીચો છે. તેને ખોરવવાનો પ્રયાસ થવો જોઇએ નહીં.” કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, “દેશની વસ્તીનો મોટો હિસ્સો હિન્દી બોલે છે એટલે તે રાષ્ટ્રભાષા બની જતી નથી.