સિલિકોન વેલીની બે સરકારી શાળાઓ તેમના અભ્યાસક્રમમાં વિશ્વ ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરશે. આની સાથે કેલિફોર્નિયાની કોઇ સ્કૂલોમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનો પણ વિકલ્પ મળશે. હિન્દીને વૈકલ્પિક વિષય તરીકે રજૂ કરવાના નિર્ણયને ફ્રેમોન્ટમાં ઇન્ડિયન અમેરિકન સમુદાયે આવકાર્યો હતો. ઇન્ડિયન અમેરિકન સમુદાયના સભ્યો તેમના બાળકોને શાળાઓમાં હિન્દી શીખવવાની માંગણી કરી રહ્યાં હતાં. કેલિફોર્નિયામાં સૌથી વધુ ઇન્ડિયન અમેરિકનોની વસ્તી ફ્રેમોન્ટમાં છે.
ફ્રેમોન્ટ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ (FUSD) બોર્ડે 17 જાન્યુઆરી 4-1 મતદાન સાથે એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવાની તરફેણ કરી હતી. તેનાથી ઓગસ્ટમાં શરૂ થતા 2024-2025 વર્ષ માટે હોર્નર મિડલ સ્કૂલ અને ઇરવિંગ્ટન હાઇ સ્કૂલના અભ્યાસક્રમમાં હિન્દીનો સમાવેશ કરવામાં આવશે.
હોર્નર મિડલ સ્કૂલ અને ઇરવિંગ્ટન હાઇસ્કૂલમાં કુલ વિદ્યાર્થીઓમાંથી ઇન્ડિયન અમેરિકનનું પ્રમાણ આશરે 65 ટકા છે. આ ડિસ્ટ્રિક્ટમાં કુલ 29 પ્રાથમિક શાળા કેમ્પસ, પાંચ મિડલ સ્કૂલ કેમ્પસ અને પાંચ હાઈસ્કૂલ કેમ્પસ છે.
હિન્દીનો અભ્યાસક્રમમાં સામેલ કરવાની દરખાસ્તની FUSD બોર્ડની મીટિંગમાં બોર્ડના સભ્યો વિવેક પ્રસાદ, શેરોન કોકો, લેરી સ્વીની અને પ્રમુખ યાજિંગ ઝાંગે જોરદાર તરફેણ હતી અને જણાવ્યું હતું કે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના કલ્યાણનો છે.
ટ્રસ્ટી શેરોન કોકોએ ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીઓ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે જો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય શાળાઓ હિન્દી ઓફર કરી શકશે. તેથી આ સમયે હું તેની તરફેણ કરું છું. ટ્રસ્ટી લેરી સ્વીનીએ દરખાસ્તનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે આ પાયલોટ પ્રોજેક્ટ તમામ હાઇ સ્કૂલ અને તમામ મિડલ સ્કૂલમાં ચાલુ થશે અને સ્કૂલો તેને અપનાવશે તે અંગે અંગે હું સકારાત્મક છું.