આંતરરાષ્ટ્રીય કવિ સંગમ અને સંગમ યુકે – ભારતીય સમુદાય સંગઠન (SICA) દ્વારા 13 જાન્યુઆરીના રોજ ઈન્ટરનેશનલ હિન્દી સોસાયટીના સહયોગથી વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે લંડનમાં એક વિશાળ કવિ સંમેલનનું આયોજન નહેરુ સેન્ટર, લંડનના ઓડિટોરિયમમાં કરાયું હતું.
કાર્યક્રમના મુખ્ય સંયોજકો શ્રી આશિષ મિશ્રા અને જ્ઞાન શર્માએ જણાવ્યું હતું કે ભારતીય હાઈ કમિશન, લંડનના હિન્દી અધિકારી અને અટેચી ડૉ. નંદિતા સાહુ, સંસદ સભ્ય શ્રી વીરેન્દ્ર શર્મા તથા જાણીતા સાહિત્યકાર અને કવિ તેજેન્દ્ર શર્મા, ડૉ. નિખિલ કૌશિક, નોર્થ વેલ્સના વરિષ્ઠ કવિ, ડૉ. નંદિતા સાહુ, શિખા વાર્શ્નેય, જ્ઞાન શર્મા, તિથિ દાની, આશુતોષ કુમાર, રિચા જૈન, ઈન્દુ બરોઠ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત યુ.કે.ના જાણીતા રેડિયો પ્રેઝન્ટર શ્રી રવિ શર્માએ આઇકોનિક શૈલીમાં કરી હતી. સૌ પ્રથમ મા શારદાની પૂજા કરી ઉપસ્થિત તમામ વરિષ્ઠ અને કવિઓનું પુષ્પગુચ્છ અને સુંદર શાલ આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન આશિષ મિશ્રાએ કર્યું હતું.
આયોજક મંડળના મુખ્ય સભ્ય શ્રી સંતોષ પાંડેએ જણાવ્યું હતું કે ‘’કાર્યક્રમમાં મંગલમ પરિવારના રાજ તિવારી, યુપીસીએના અશ્વિની શ્રીવાસ્તવ, સનાતન સંસ્થાના સીકે નાયડુ, સ્પીકિંગ ભારત પોર્ટલના જીતેન્દ્ર ગુપ્તા અને યુકે હિન્દી સમિતિના સુલેખા ચોપલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે રૂબી દાસના હાઈકુ કાવ્ય સંગ્રહ ‘ભીગી સડક’નું વિમોચન તેજેન્દ્ર શર્મા દ્વારા કરાયું હતું. સ્મિતા પાંડેએ આભાર વ્યક્ત કર્યો હતો.